<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

આર.પી. રામાઃ અમેરિકી હોટેલ ઉદ્યોગના મહારથી

વિશ્‍વસ્‍તરે હોસ્‍પિટાલિટી ક્ષેત્રે ગુજરાતી પરિવારે ગૌરવ સ્‍થાપ્‍યું: JHM ગ્રુપ પાસે અમેરિકા-ભારતમાં ૩૬ હોટેલ્‍સ : ચાર ભાઈઓ અને આર.પી. રામાએ સામ્રાજય સર્જયું: આર.પી.નો આફ્રિકામાં જન્‍મ, માતૃભૂમિ ગુજરાતમાં શિક્ષણ લીધું અને અમેરિકા કર્મભૂમિઃ ખેતી કરી, ટીચર બન્‍યા, બેંકમાં નોકરી કરી...અમેરિકામાં સામ્રાજય જમાવ્‍યું: સંઘર્ષથી સિધ્‍ધિની પ્રેરક અને રિયલ સ્‍ટોરી એટલે રમણ પ્રભુ (આર.પી.)

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અમેરિકી હોટેલ ઉદ્યોગના મહારથી આર.પી. રામા અને અગ્રણી પ્રદીપભાઇ કણસાગરા નજરે પડે છે. (તસવીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ : માતૃભૂમિ ભારત-ગુજરાત, જન્‍મભૂમિ આફ્રિકા અને કર્મભૂમિ અમેરિકા... એક ગૌરવવતાં ગુજરાતીની આ વિશિષ્‍ટ ઓળખ છે. વૈશ્વિકસ્‍તરના હોટેલ જગતના પ્રતિષ્‍ઠિત ગ્રુપ  JHMના સ્‍થાપક-સંચાલક આર. પી. સ્‍થાપક - સંચાલક આર. પી. રામાની આ રિયલ સ્‍ટોરી છે. આર. પી. એટલે રમન પ્રભુ. રમન એટલે પ્‍યોર ગુજરાતી ભાષામાં રમણભાઇ... રામા પણ તેમની સરનેમ નથી. પરિવારના વડવા રામભાઇની સ્‍મૃતિ કાયમ જળવાય તે માટે આખો પરિવાર રામના નામથી જ દેશ-દુનિયામં ઓળખ ધરાવે છે.

જે. એચ.એમ હોટેલ્‍સ ગ્રુપ અમેરિકા તથા ભારતમાં ફુલ સર્વિસ આપતી ૩૬ હોટેલ્‍સ ધરાવે છે. હજુ વધારે હોટેલ્‍સ સ્‍થાપવાના આયોજનમાં છે. હોસ્‍પિટાલિટી ક્ષેત્રે નવા આદર્શો સ્‍થાપનાર પ્રેરક ગુજરાતી આર. પી. રામા તાજેતરમાં ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતાં. તેઓએ હોટેલ ઉદ્યોગ ઉપરાંત જીવનના મર્મની પ્રેરક વાતો કરી હતી.

પ્રતિષ્‍ઠિત હોટેલ્‍સ બ્રાન્‍ડ મેરીયોટ, હિલ્‍ટન, હયાત, IHG, ચોઇસ વગેરેનું સંચાલન  LHM ગ્રુપ કરે છે. આ ઉપરાંત  અનેક વ્‍યવસાયી ક્ષેત્રો સાથે આર. પી. રામા અને તેનું ગ્રુપ જોડાયેલું છે. માત્ર વ્‍યવસાયી જીવન જ નહિ, આર. પી.નું પરિવારિક અને સામાજિક જીવન પણ સામાન્‍ય માણસથી માંડીને ઉદ્યોગકારોને પ્રેરણા આપે તેવું રહ્યું છે.

‘અકિલા' ની મુલાકાત દરમિયાન આર. પી. રામાએ મુકતમને વાતચીત કરી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે, મારો જન્‍મ આફ્રિકામાં થયો હતો. બાળપણ ત્‍યાં વીત્‍યું. એ દેશમાં નિયમ એવો હતો કે, દરેક બાળકને મિલ્‍ટ્રી ટ્રેનિંગ ફરજિયાત હતી. પિતાશ્રીને આ પસંદ ન હતું. તેઓ મને કાકા પાસે ગુજરાત મૂકી ગયા.

આર. પી. એ ધો. ૪ થી ૮ નવસારીમાં કર્યુ. ત્‍યાં પારસી હોસ્‍ટેલમાં રહ્યા હતાં. ૯ થી ૧૧ નો અભ્‍યાસ વડોદરામાં કર્યો હતો. બાદમાં MS યુનિ.માંથી બી.કોમ. થયા હતાં. કારકિર્દી માટે અમેરિકા જવાનું નકકી હતું, પણ વીઝા મળતો ન હતો. બી. કોમ. થયા બાદ તુરત જ બેંકમાં સારી જોબ મળી ગઇ. જો કે આર. પી. કહે છે કે, કાકાની તબિયત બગડતા તેની સેવા કરવા નોકરી છોડી દીધી. ૧રપ વીઘા જમીન હતી. કાકાની સેવા કરતા સાથે ખેતી કરવા લાગ્‍યો હતો. હું ફુટબોલનો ખેલાડી-ગોલકીપર હતો. બેંકે જોબ છોડવાની ના પાડી. જો કે જોબ છોડી જ દીધી. ત્રણ મહિના માલીસથી માંડીને અન્‍ય સારવાર કરી. કાકાને સારું થઇ ગયું.

આર. પી. કહે છે કે, આ  સમયે એક શિક્ષિકા મીના પંચોલી સાથે સંપર્ક થયો. તેમણે સ્‍કૂલમાં શિક્ષક તરીકે જોબનું કહ્યું. ખેતી કરતા સાથે ધો. ૧૧ અને ૧ર ના કલાસમાં ટીચર બન્‍યો. કલાસમાં મારા કરતા હાઇટમાં ઊંચા છોકરા હતાં. કલાસમાં પ્રથમ દિવસે જ મજાક કરવા લાગ્‍યા. કડકાઇથી શિસ્‍ત શીખવી હતી. આર. પી. કહે છે કે, ટીચરે બાળકોને જ્ઞાન આપવાનું નથી, શીખવાની સિસ્‍ટમ અંગે માહિતી આપવાની હોય છે.

આર. પી. રામાએ ત્રણ વર્ષ ટીચર તરીકે સેવા આપી. બાદમાં લગ્ન થયા અને અમેરિકા જવાનું થયું. તેઓ કહે છે, અમેરિકામાં હોટલના ફર્નિચરમાં કલર કરવાથી કામ શરૂ કર્યુ. બાથરૂમ સફાઇ, રૂમ સફાઇ અને સર્વિસ, મેનુ મેનેજમેન્‍ટ, હોસ્‍પિટાલિટી, હોટલનું સંચાલન વગેરે વિધિવત શીખ્‍યો હોટેલ ક્ષેત્રના દરેક નાના-મોટા કામ આજે પણ જાતે કરી શકું છું. હોટેલનું સંપૂર્ણ સંચાલનની ટ્રેનિંગ થયા બાદ પ્રથમ ૧ર૩ રૂમની હોટેલનું જવાબદારી સાથે મેનેજમેન્‍ટ સંભાળ્‍યું હતું.

આર. પી. રામા કહે છે કે, અમારા ભાઇ હસમુખભાઇ સૌ પ્રથમ અમેરિકા ગયા હોવાથી અમારી લાઇન તૈયાર હતી. કામ કરી દેખાડવાનો પડકાર હતો. આર. પી. રામા પાંચ સગા ભાઇઓ છે એ બધાં ટૂંકા નામથી ઓળખ ધરાવે છે. જે. પી. રામા, એચ. પી. રામા, એમ. પી. રામા, ડી. પી. રામા, અને આર. પી. રામાએ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ સ્‍થાપી છે. આર. પી. રામા કહે છે કે, ચાર આંગળી અને એક અંગુઠાથી  મુઠ્ઠી બને છે અમે પાંચ ભાઇઓએ સાથે મળીને તાકાતનું સર્જન કર્યુ છે આર. પી.  કહે છે કે, ઓનર અને સ્‍ટાફ વચ્‍ચે વિશિષ્‍ઠ સંબંધ સ્‍થાપવો જોઇએ. શિસ્‍ત અને કાર્ય માટે  ઓનરે કડકાઇ દાખવવી જોઇએ, પરંતુ બાદમાં લાગણીના સંબંધો હોવા જોઇએ. મેં માલીકીના ભાવથી કયારેય કામ કયું નથી, સ્‍ટાફ સાથે જ રહું છુ અને કામ કરુ છું, પરંતુ સ્‍ટાફની ખોટી માંગણી  કે ખોટા સમયે માંગણી સામે કયારેય ઝુકર્યો નથી.

આર. પી.  કહે છે કે, અમેરિકામાં મોટેલ-હોટેલ ક્ષેત્રે ગુજરાતીઓ ભારતીયો  છવાયેલા છે અમેરિકાની  ૬૧ ટકા હોટેલમાં ભરતીયો પાસે છે. ભારતમાં અતિથિ દેવો ભવઃ નો ભાવ પ્રચાલિત છે આગતા-સ્‍વાગતા આપણા લોહીમાં છે. આ કારણે હોટેલ - મોટેલ વ્‍યવસાયમાં ભારતીયો છવાઇ ગયા છે હું સ્‍ટાફને પણ ઓળખું છુ કે, અતિથિ આપણો ભગવાન છે. તમે ભગવાન માટે રસોઇ કરો છો. રૂમ સાફ કરો છો. આ ભાવના હોટલ ઉદ્યોગનો પાયો છે દરેક ક્ષેત્રે ભગવાનનો ડર જરૂરી છે.

આર. પી. હોટલ ક્ષેત્રના નિષ્‍ણાત બની ગયા છે. હોસ્‍પીટાલીટી ક્ષેત્રે આદર્શો સ્‍થાપ્‍યા છે. આ અંગે પ્રેમક પ્રવચનો પણ આપે છે. આ ક્ષેત્રના શબ્‍દોની વ્‍યાખ્‍યા આપતા આર. પી.એ જણાવ્‍યુ હતુ કે, મોટેલ એટલે જયાં માત્ર  રહેવાની જ સુવિધા હોય છે. જે મોટાભાગે હાઇવે પર હોય છે. મોટેલ ક્ષેત્રે ગુજરાતીઓ-ભારતીયો છવાયેલા છે.

શ્રી રામાએ જણાવ્‍યું હતુ કે, હોટલ એટલ તેમાં વધારે રૂમ હોય. હોટલ ત્રણ પ્રકારની હોય છે અમુક હોટલ લિમીટેડ સર્વીસ આપતી હોય છે. તેમાં માત્ર રૂમ્‍સ હોય છે. અમુક મિડલ લેવલની હોય છે. રૂમ્‍સ ઉપરાંત ડિનર રૂમ વગેરે હોય છે. ફુલ સર્વીસ હોટલમાં રૂમ્‍સ ઉપરાંત ડિનર રૂમ, મીટીંગ રૂમ વગેરે તમામ સુવિધા હોય છે. જે. એચ. ગ્રુપ પાસે અમેરિકા અને ભારતમાં ૩૬ કુલ સર્વીસ હોટલ છે.  આર. પી. કહે છે કે, રેસ્‍ટોરન્‍ટ શબ્‍દ પણ ખુબ પ્રચલીત છે રેસ્‍ટોરન્‍ટમાં માત્ર ભોજન ઉપલબ્‍ધ હોય છે, રૂમ્‍સની સુવિધા હોતી નથી.

આર. પી. એ જણાવ્‍યુ હતું કે, મારૂ જીવન થોડુ અલગ રહયું છે. હું આકસ્‍મિક રીતે જ ખેડુત બન્‍યો હતો અને ખેતી કરી હતી. આકસ્‍મિક રીતે શિક્ષક બન્‍યો હતો. અકસ્‍મિતક રીતે  હોટલ ક્ષેત્રમાં આવી ગયો અને આકસ્‍મિક રીતે આઇ.ટી. ક્ષેત્રે પણ સક્રિય બની ગયો. આર.પી. ની એક બાબત દરેક માટે પ્રેરક છે કે, તેઓ કાયમ વિદ્યાર્થી જ રહે છે. સતત કંઇક શીખતા રહો છે. અને કોર્ષ કરતા રહે છે. આઇટીની પરીક્ષા આપીને  વિધિવત ડીગ્રી મેળવી છે. તેઓએ સીએચટીપી, સીએચએઇ, એચએફટીપી વગેરે ડીગ્રીઓ મેળવી છે.

હોસ્‍પિટાલિટી ઉદ્યોગમાં ક્રાંતિ આણનારા અને આદર્શો સ્‍થાપવામાં આર. પી. ને વિવિધ સન્‍માનો પ્રાપ્ત થયો છે. તેમને ધ એચએફ ટીપી પેરાગોન  ન એવોર્ડ, ધ એચએફ ટીપી હોલ ઓફ ફેમ, ધ એએએચઓએ ફેમીલી હોટેલીયર ઓફ ધ યર,  અને ધ મોસ્‍ટ ઓફ વેલ્‍યુએબલ ઇઆઇઓ-ઓએચટીએ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એચએફ ટીપી ઇન્‍ટરનેશનલ એસો.ના સ્‍થાપક પ્રમુખ તરીકે મહત્‍વની ભુમિકા તેઓ ભજવી ચુકયા છે. તેઓએ એચફટીપી ઇન્‍ડિયા ચેપ્‍ટરની સ્‍થાપના પણ કરી હતી.  આર. પી. કહે છે કે, ૧૯૮૧માં સ્‍થાપન સાકાર કરવા અમેરિકા ગયો હતો. ખિસ્‍સા ખાલી હતા. સ્‍વિપર  જેવા કામથી કારકીર્દી શરૂ કરી હતો. ૪૦ વર્ષ ખૂબ સંઘર્ષ કર્યો છે અને સફળતા પણ મેળવી છે. ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે. આ જ્ઞાન શેર કર્યા વગર હું મરવા ઇચ્‍છતો નથી. ગૌરવવંતા ગુજરાતી રમણ પ્રભુ રામાનો સંપર્ક ઇ-મેઇલ [email protected] પર થઇ શકે છે.

(3:49 PM IST)