<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

વૈશ્વિક સંકેતો વચ્ચે સોનાએ ફરી ઈતિહાસ રચ્યો: રૂપિયા 630 ઉછળી 82,730ની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું

સતત છઠ્ઠા સેશન દરમિયાન તેજીની આગેકૂચ જાળવી રાખતા સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 82,330ની નવી ઊંચી સપાટીને સ્પર્શી ગયું

મુંબઈ : વિશ્વ બજારમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે જ્વેલર્સ તથા રિટેલર્સ તરફથી વ્યાપક માંગ નિકળતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 630 ઉછળી રૂપિયા 82,700ની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા છે.

સતત છઠ્ઠા સેશન દરમિયાન તેજીની આગેકૂચ જાળવી રાખતા સ્ટાન્ડર્ડ સોનું (99.5) પણ રૂપિયા 630 વધી રૂપિયા 82,330ની નવી ઊંચી સપાટીને સ્પર્શી ગયું છે. નવી દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 1,000 ઉછળી રૂપિયા 94,000 થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપાર નીતિ વૈશ્વિક અર્થતંત્ર માટે એક મહત્વનું પરિબળ બની ગયું છે અને તેને લગતી વધી રહેલી ચિંતાને લીધે કિંમતી ધાતુઓમાં રોકાણ વધી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષમાં અમેરિકાની ટ્રેડ ડેફિસિટ  એટલે કે વ્યાપાર ખાધ બે ગણી વધીને વર્ષ 2024માં 850 અબજ ડોલરની સપાટીએ પહોંચી છે ત્યારે ટ્રમ્પ આયાત બિલને નિયંત્રિત કરવા માટે યોજના ધરાવી રહ્યા છે.

જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂપિયા 299 એટલે કે 0.38 ટકા ઉછળી રૂપિયા 79,523 થયો છે. જ્યારે કીલોદીઠ ચાંદીનો વાયદો રૂપિયા 204 અથવા 0.22 ટકા વધી રૂપિયા 92,295 થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 10.20 ડોલર એટલે કે 0.37 ટકા ઉછળી 2,769.40 ડોલર ક્વૉટ થયા છે. જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ 0.27 ડોલર વધી 31.58 ડોલર નોંધાયા છે.
અમદાવાદ ખાતે શુદ્ધ સોનુ (99.9) રૂપિયા 700 વધી રૂપિયા 82,800 અને સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 700 વધી રૂપિયા 82,600 થયા છે. જ્યારે અમદાવાદ ચાંદી રૂપિયા 1000 વધી રૂપિયા 91,500 પહોંચી છે.

(9:54 PM IST)