<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

કેન્‍દ્રીય કર્મચારી એલટીસી અંતર્ગત વંદે ભારત અને હમસફર જેવી લકઝરી ટ્રેનો સિવાય પ્રાઇવેટ ટ્રેન તેજસમાં પણ મુસાફરી કરી શકશે

કેન્‍દ્રીય કર્મચારીઓને બખ્‍ખા! ભારતની પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરીની ફ્રી સુવિધા

 

 

નવી દિલ્‍હી, તા.૧૬ : કેન્‍દ્ર સરકારે પોતાના લાખો કર્મચારીઓને દેશની લગ્‍ઝરી ટ્રેનમાં મફતમાં મુસાફરી કરવાની સુવિધા આપી દીધી છે. હવે કેન્‍દ્રીય કર્મચારી વંદે ભારત અને હમસફર જેવી લકઝરી ટ્રેનો સિવાય પ્રાઇવેટ ટ્રેન તેજસમાં પણ મુસાફરી કરી શકશે. તે પણ બિલકુલ મફતમાં મુસાફરી કરવાની મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ છે કે, હવે કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને પરિવાર સાથે મફતમાં ટ્રેનની સુવિધા મળી શકશે.

DOPTના આદેશ અનુસાર કેન્‍દ્રએ પોતાના કર્મચારીઓને એલટીસી અંતર્ગત તેજસ, વંદે ભારત અને હમસફર ટ્રેનોથી મુસાફરી કરવાની મંજૂરી આપી છે. આ પગલું એલટીસી અંતર્ગત વિવિધ પ્રીમિયમ ટ્રેનોની સ્‍વીકાર્યતા વિશે વિવિધ કાર્યાલયોમાંથી આવતી ભલામણો બાદ લેવામાં આવ્‍યું છે.

ડીઓપીટીએ તેના આદેશમાં જણાવ્‍યું છે કે આ વિભાગે ખર્ચ વિભાગ સાથે પરામર્શ કરીને મામલાની તપાસ કરી છે અને નિર્ણય લેવામાં આવ્‍યો છે કે હાલની રાજધાની, શતાબ્‍દી અને દુરંતો ટ્રેનો ઉપરાંત હવે સરકારી કર્મચારીઓની પાત્રતા અનુસાર એલટીસી અંતર્ગત તેજસ એક્‍સપ્રેસ, વંદે ભારત એક્‍સપ્રેસ અને હમસફર એક્‍સપ્રેસ ટ્રેનોમાં પણ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.

એલટીસીનો લાભ લેવા પર, કેન્‍દ્ર સરકારના પાત્ર કર્મચારીઓને પેઇડ રજા ઉપરાંત અન્‍ય મુસાફરી માટેની ટિકિટ પર થયેલો ખર્ચ પાછો મળે છે. આનો અર્થ એ છે કે એલટીસી હેઠળ, તેમને રજા આપવા ઉપરાંત, સરકાર મુસાફરી પર ખર્ચવામાં આવેલા પૈસા પણ પરત કરે છે. એલટીસી દ્વારા કર્મચારીઓ ચાર વર્ષમાં દેશના કોઈપણ ભાગમાં જઈ શકે છે. સરકાર કર્મચારીઓને મુસાફરી ખર્ચના અમુક હિસ્‍સાની ભરપાઈ કરે છે. તેનો હેતુ કર્મચારીઓને તેમના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે પ્રોત્‍સાહિત કરવાનો છે.

એવું નથી કે સરકાર LTC હેઠળ માત્ર ટ્રેનોમાં મુસાફરી કરવા માટે છૂટ આપે છે, નવા નિયમોમાં હવાઈ મુસાફરી માટે પણ છૂટ આપવામાં આવી છે. DoPT અનુસાર, જો લોકો ૨૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ સુધી ઉત્તર-પૂર્વના રાજ્‍યો, જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ-આંદામાન અને નિકોબાર ટાપુઓની મુસાફરી કરે છે, તો તેમને હવાઈ મુસાફરી પર છૂટ આપવામાં આવશે. જોકે, એ જાણવું અગત્‍યનું છે કે હવાઈ મુસાફરી માટે મુક્‍તિ ફક્‍ત હવાઈ મુસાફરી માટે પાત્ર કર્મચારીઓ દ્વારા જ મેળવી શકાય છે.

(12:20 PM IST)