તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
મફત વિજળી, પાણી, મુસાફરી અને બીજું ઘણું બધું!! દિલ્હીમાં મફતની લ્હાણી(સબસીડી)નું બિલ ૬૦૦ ટકા વધ્યું

નવી દિલ્હીઃ છેલ્લા ૧૦ વર્ષમાં આમ આદમી પાર્ટી(આપ) સરકારના શાસન દરમ્યાન દિલ્હીનો સબસીડી બિલમાં ૬૦૦ ટકાથી વધુનો વધારો થયો છે.
પાંચ ફેબ્રુઆરીએ યોજાનાર દિલ્હી વિધાનસભાની ચુંટણીના ભાગરૂપે વિભીન્ન રાજકીય પક્ષો મફતની લ્હાણીના વચનોમાં એક બીજાની હરીફાઇ કરી રહયા છે.
પણ દિલ્હીની નાણાકીય બાબતો પર નજર કરીએ તો જણાય છે કે, સબસીડી રાજયની તિજોરીનું લોહી પી રહી છે. સબસીડી બિલ ચાલુ નાણાંકીય વર્ષમાં લગભગ ૬૦૭ ટકા વધીને ૧૦૯૯૫.૩૪ કરોડ થયું છે, જે ૨૦૧૪-૧૫માં ૧૫૫૪.૭૨ કરોડ હતું, જયારે એક વર્ષ સુધી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન હતું. આ આંકડા મહત્વપૂર્ણ છે કેમ કે દિલ્હી ત્રણ દાયકામાં પહેલીવાર ૨૦૨૫-૨૬ના અંતસુધીમાં મહેસુલી ખાદ્યમાં સરકી જવાનું અનુમાન છે.
દિલ્હી સરકાર નવ વિભાગોની ૨૭ યોજનાઓ હેઠળ સબસીડી આપે છે. તેમાં આપ સરકાર દ્વારા મહિલાઓ માટે મફત બસ મુસાફરી, મફત પાણી અને વીજળીનો સમાવેશ થાય છે. આપ સરકાર ફેબ્રુઆરી ૨૦૧૫માં સતા પર આવી ત્યારે તેણે દર મહિને ૨૦,૦૦૦ લીટર પાણી, ૨૦૦ યુનીટ મફત વીજળી આપવાનું શરૂ કર્યું. ૨૦૧ થી ૪૦૦ યુનીટ સુધી ૫૦ ટકા સબસીડી અપાય છે. ૨૦૧૪-૧૫માં પાવર સબસીડીનું બીલ ૨૯૧.૯૪ કરોડ હતું. જે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપ સરકાર આવ્યા પછી એક નાણાંકીય વર્ષમાં ૩૯૪.ર ટકા વધીને ૧૪૪૨.૭૬ કરોડ થયું હતું. હવે તે વધીને ૨૦૨૪-૨૫માં ૩૬૦૦.૫૦ કરોડ રૂપિયાએ પહોંચ્યુ છે. જે ૧૦ વર્ષમાં ૧૧૩૩ ટકા વધી ગયું છે.
અન્ય સબસીડીઓમાં પણ આવી જ સ્થિતી છે. ૨૦૧૪-૧૫માં દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) દ્વારા ૨૦.૮૩ કરોડ રૂપિયા સબસીડી અપાતી હતી. ચાલુ નાણાંકીય વર્ષમાં તે ૨૩૦૦ ટકા કરતાં પણ વધીને ૫૦૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે.
મહિલા મુસાફરો માટે મફત બસ મુસાફરીની યોજના, ૨૦૨૦ની ચુંટણીના ભાગરૂપે રજુ કરાઇ હતી. જેના કારણે સબસીડી બીલમાં વધારો થયો છે. ૨૦૧૯-૨૦માં આ સબસીડી ૪૪.૫૩ કરોડ રૂપિયા હતી જે ચાલુ નાણાંકીય વર્ષમાં ૩૪૯ ટકા વધીને ૨૦૦ કરોડ રૂપિયાએ પહોંચી છે.
હજુ આ ઓછું હોય તેમ આપ દ્વારા મહિલાઓ અને મંદિરો તથા ગુરૂદ્વારાના પુજારીઓ માટે ૨૧૦૦ રૂપિયા પેન્શનનું વચન આપ્યું છે. તો કોંગ્રેસ અને ભાજપાએ મફત વીજળી અને પાણી ચાલુ રાખવાનું વચન આપ્યું છે.(૨.૧૮)
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
