News of Monday, 6th January 2025
લોકો હવે ખાવા-પીવાની વસ્તુઓને બદલે અન્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરી રહ્યા છે
ભારતીય પરિવારોએ છેલ્લા ૧૨ વર્ષમાં તેમની ખર્ચની પધ્ધતિમાં મોટા ફેરફારો કર્યા : પરિવર્તન પાછળનું કારણ આર્થિક વિકાસ, સરકારી નીતિઓ અને જીવનશૈલીમાં પરિવર્તન છે : અનાજ અને દાળના વપરાશમાં ઘટાડો : કપડા અને પગરખા પરનો ખર્ચ પણ ઓછો થયો છે : બિન ખાદ્ય ચીજવસ્તુઓ પર ખર્ચ વધ્યો છે

નવી દિલ્હી તા. ૬ : ભારતીય પરિવારોએ છેલ્લા ૧૨ વર્ષમાં તેમના ખર્ચની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, લોકો હવે ખાવા-પીવાની જગ્યાએ અન્ય વસ્તુઓ પર વધુ પૈસા ખર્ચી રહ્યા છે. આ પરિવર્તન ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળ્યું છે. આર્થિક વિકાસ, સરકારની નીતિઓ અને જીવનશૈલીમાં બદલાવના કારણે લોકોની પસંદગીઓ બદલાઈ રહી છે. આ અહેવાલમાં અનાજ અને દાળના વપરાશમાં ૫% થી વધુના ઘટાડાનો પણ ઉલ્લેખ છે.
SBIનો રિપોર્ટ દર્શાવે છે કે લોકો ખાઘ પદાર્થોને બદલે અન્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરવા લાગ્યા છે. ‘વપરાશની વર્તણૂક ખાઘપદાર્થોમાંથી બિન-ખાઘ ચીજોમાં બદલાઈ ગઈ છે... છેલ્લા ૧૨ વર્ષોમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગ્રાહકોની પસંદગીઓમાં ફેરફારની નોંધ લેવી રસપ્રદ છે,'
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ‘અનાજ અને દાળના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો (૫ ટકાથી વધુ).' આ પરિવર્તન દેશના આર્થિક વિકાસ, સરકારી નીતિઓ અને લોકોની જીવનશૈલીમાં આવેલા ફેરફારોને દર્શાવે છે.
૨૦૧૧-૧૨માં ગ્રામીણ વિસ્તારોમાં ખોરાક પરનો ખર્ચ ૫૨.૯% હતો, જે ૨૦૨૩-૨૪માં ઘટીને ૪૭.૦૪% થયો. આ ૫.૮૬% નો ઘટાડો છે. શહેરી વિસ્તારોમાં ખાઘપદાર્થો પરનો ખર્ચ પણ ઘટ્યો છે. તે ૪૨.૬૨% થી ઘટીને ૩૯.૬૮% થયો છે. એટલે કે ૨.૯૪% નો ઘટાડો.
બીજી તરફ ખાઘ પદાર્થો સિવાયના ખર્ચમાં વધારો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં તે ૪૭.૧% થી વધીને ૫૨.૯૬% થયો છે. એટલે કે ૫.૮૬% નો વધારો. શહેરી વિસ્તારોમાં પણ તે ૫૭.૩૮% થી વધીને ૬૦.૩૨% થયો, જે ૨.૯૪% નો વધારો છે.
સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિને કારણે ટોયલેટરીઝ પરનો ખર્ચ વધ્યો છે. રસપ્રદ વાત એ છે કે GSTના દરમાં ઘટાડાને કારણે ટેક્સ અને સેસ પરનો ખર્ચ ઓછો થયો છે. કપડાં અને પગરખાં પરનો ખર્ચ પણ ઓછો થયો છે. તેનું કારણ જૂની ટેક્સ સિસ્ટમની સરખામણીમાં જીએસટીના નીચા દર છે.
ખોરાક સિવાયની અન્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરવાનું વલણ ભારતના બદલાતા સામાજિક-આર્થિક પરિદ્રશ્યને દર્શાવે છે. વધતી આવક, બહેતર જીવનધોરણ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપતી સરકારી યોજનાઓએ લોકોની જરૂરિયાતો બદલી નાખી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં. આ પરિવર્તન ભારતના વપરાશના વર્તનની ગતિશીલ પ્રકૃતિ અને વૈશ્વિક પ્રવાહો સાથે તેની સમાનતાને પ્રતિબિંબિત કરે છે. આ બતાવે છે કે લોકો તેમની જરૂરિયાતો અનુસાર તેમના ખર્ચમાં કેવી રીતે ફેરફાર કરી રહ્યા છે. આ પરિવર્તન આવનારા સમયમાં બજાર અને અર્થતંત્ર પર કેવી અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.(૨૧.૩)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
