News of Saturday, 4th January 2025
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ત્રીજા કુલપતિ તરીકે પ્રોફેસર (ડોક્ટર )અતુલભાઇ બાપોદરાની નિયુક્તિ
પ્રો. (ડો.) અતુલભાઈ બાપોદરાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે પણ કાબિલેદાદ કામગીરી કરી હતી:વર્ષ 2018માં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાં તેઓ પ્રોફેસર એન્ડ હેડ તરીકે જોડાયા હતા

જૂનાગઢ :ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના ત્રીજા કુલપતિ તરીકે યુનિવર્સિટીના કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રો. (ડો.) અતુલભાઇ બાપોદરાની ઇન્ચાર્જ કુલપતિ તરીકે સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ તરીકે ડો. જે.પી. મૈયાણી રહ્યા હતા, ત્યારબાદ 2019 માં પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીની રેગ્યુલર કુલપતિ તરીકેની મુદત પૂર્ણ થતાં વર્ષ 2022 માં તેમને સરકાર દ્વારા ફરી ઇન્ચાર્જ કુલપતિ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. આજરોજ પ્રો. (ડો.) ચેતનભાઇ ત્રિવેદીને ઇન્ચાર્જ કુલપતિના ચાર્જમાંથી મુક્ત કરી ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રો. (ડો.) અતુલભાઈ બાપોદરા ને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રો. (ડો.) અતુલભાઈ બાપોદરાએ પોરબંદરની વિખ્યાત એમ. ડી. સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ઘણા વર્ષો સુધી યશસ્વી કામગીરી બજાવી હતી. ત્યારબાદ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની 2015-16 માં સ્થાપના - શરૂઆત થતાં તેઓએ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓનું સફળ અને સુપેરે સંચાલન કર્યું હતું, ઉપરાંત પ્રો. (ડો.) અતુલભાઈ બાપોદરાએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે પણ કાબિલેદાદ કામગીરી કરી હતી. વર્ષ 2018માં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાં તેઓ પ્રોફેસર એન્ડ હેડ તરીકે જોડાયા હતા. ડિપાર્ટમેન્ટમાં પણ તેઓ સંશોધન, રીસર્ચ પબ્લિકેશન્સ, પેટન્ટ, શિક્ષણ વિગેરે ક્ષેત્રે તથા વિદ્યાર્થીલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. તેઓ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સર્વોચ્ચ સતાધારી બોર્ડ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સહિતના વિવિધ સતાધારી બોર્ડમાં પણ સક્રિયપણે સેવા આપી રહ્યા છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
