<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

હરિયાણાથી લઇને જમ્‍મુ કાશ્‍મીર સુધી હાડ થીજવતી ઠંડી પડશે : હવામાન વિભાગે કોલ્‍ડવેવ એલર્ટ આપ્‍યુ

શીતલહેરની સાથે ઉત્તર પશ્‍ચિમના કેટલાક ભાગોમાં હળવા વરસાદના સંકેતો : લઘુત્તમ તાપમાન ૩ થી ૫ ડીગ્રી ઘટશે

નવી દિલ્‍હી, તા.૨: દેશના અનેક વિસ્‍તારોમાં ઠંડીના માહોલ વચ્‍ચે હવે લોકો તાપણાંનો સહારો લઈ રહ્યા છે. દિલ્‍હી-ફઘ્‍ય્‍થી લઈને પહાડો સુધી કડકડતી ઠંડી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર આ અઠવાડિયે તીવ્ર ઠંડીની સાથે ઉત્તર પશ્‍ચિમના કેટલાક ભાગોમાં હળવા વરસાદના પણ સંકેતો છે. ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને હરિયાણામાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. બીજી તરફ જમ્‍મુ-કાશ્‍મીરના ઘણા વિસ્‍તારોમાં તાપમાન શૂન્‍યથી નીચે ગયું છે. ભારે ઠંડીના કારણે દાલ સરોવરની સપાટી થીજી ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં જમ્‍મુ-કાશ્‍મીર અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.

હવામાન વિભાગે આ સપ્તાહમાં ઠંડીનો દિવસ રહેવાની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ અને મધ્‍યપ્રદેશના કેટલાક ભાગોમાં ૨ જાન્‍યુઆરીએ ઠંડા દિવસની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્‍ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્‍તારોમાં ગુરુવારે સવારે અને સાંજે ઠંડા દિવસની શકયતા છે. જ્‍યારે ૩ જાન્‍યુઆરીથી ૫ જાન્‍યુઆરી સુધી આસામ, મેઘાલય, નાગાલેન્‍ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ધુમ્‍મસનો સામનો કરવો પડી શકે છે. IMD અનુસાર ઉત્તર પશ્‍ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન ૩ થી ૫ ડિગ્રી સેલ્‍સિયસ ઘટી શકે છે. પૂર્વ ભારતમાં ૩ દિવસ પછી લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. મહારાષ્‍ટ્રમાં ૩ દિવસમાં લઘુત્તમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી સેલ્‍સિયસ વધી શકે છે.

કોલ્‍ડ ડે એટલે કે ઠંડા દિવસનો અર્થ થાય છે જ્‍યારે લઘુત્તમ તાપમાન ૧૦.૦ °C ની નીચે હોય છે અને મહત્તમ તાપમાન સામાન્‍ય કરતા ઓછામાં ઓછું ૪.૪ °C ઓછું હોય છે. આ સ્‍થિતિને કોલ્‍ડ ડે કહેવામાં આવે છે. આ ઉપરાંત જ્‍યારે મહત્તમ તાપમાન સામાન્‍ય કરતા ઓછામાં ઓછું ૬.૫ ડિગ્રી ઓછું હોય ત્‍યારે તીવ્ર ઠંડીનો દિવસ અથવા ઠંડા દિવસ તરીકે ગણવામાં આવે છે.

જમ્‍મુ-કાશ્‍મીરથી લદ્દાખ સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. ૫ જાન્‍યુઆરીએ જમ્‍મુ-કાશ્‍મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્‍ટિસ્‍તાન-મુઝફ્‌ફરાબાદમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. આ સાથે હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાની સંભાવના છે. પશ્‍ચિમ હિમાલય વિસ્‍તારમાં ૩ જાન્‍યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા અને ૪ થી ૬ જાન્‍યુઆરી સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની પ્રબળ સંભાવના છે. IMD અનુસાર શ્રીનગરમાં -૧.૫ ડિગ્રી સેલ્‍સિયસ, ગુલમર્ગમાં -૨.૪ ડિગ્રી સેલ્‍સિયસ, પહેલગામમાં -૬ ડિગ્રી સેલ્‍સિયસ, બનિહાલમાં ૦.૪ ડિગ્રી સેલ્‍સિયસ અને કુપવાડામાં ૦.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું

(4:31 PM IST)