<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd January 2025

શાકભાજીના ભાવમાં ૫૦%નો ઘટાડો થતા મધ્‍યમવર્ગને રાહત

શિયાળામાં વિવિધ ભાજી પણ વિપુલ પ્રમાણમાં બજારમાં કમુરતા ઊતર્યા બાદ ક્રમશઃ ભાવ વધતાં હોય છે

રાજકોટ, તા.૨: શિયાળામાં વિવિધ પ્રકારની ભાજી વિપુલ પ્રમાણમાં બજારમાં વેચાણ માટે આવી છે. આ ઉપરાંત અન્‍ય શાકનો જથ્‍થો પણ આવી રહયો હોવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી શાકભાજીના ભાવમાં ગણનાપાત્ર ઘટાડો થયો છે. જેના પગલે મધ્‍યમવર્ગીય સહિતના ગ્રાહકોને રાહતની લાગણી જન્‍મી છે.

હાલ શહેરીજનોના ભોજનમાં બે ટાઇમ મન ભરીને વિવિધ શાકભાજી પિરસાઈ રહયા છે. કેટલાક શાકભાજીના ભાવમાં ૩૦ ટકાથી ૫૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્‍યો છે.

લગ્ન સિઝન પુરી થતા અને ઠંડીની શરૂઆત સાથે આવકમાં વધારો થતા છેલ્લા અઠવાડિયાથી ભાવ ઘટી ગયા હોવાનું વેપારીઓ જણાવ્‍યું છે. ટામેટા, લીંબુ. બટાકા ડુંગળી, કોથમીરમાં નોંધપાત્ર ભાવ ઘટાડો જોવા મળી રહયો છે. હાલ કમૂરતા ચાલી રહ્‍યા છે તેથી માંગ ઘટી છે. બીજી બાજુ રાજ્‍ય અને અન્‍ય રાજ્‍યોમાંથી આવક વધી રહી છે. જેના કારણે ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહયો છે.

લીંબુ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ભાવનગરથી આવી રહયાં છે. આદુ બેંગ્‍લુરુંથી આવે છે. આગામી ૧૪ જાન્‍યુઆરી પછી લગ્નગાળો શરૂ થશે ત્‍યારે પાછા ભાવ વધવાની સંભાવના છે. હાલ ઠંડી વધી રહી છે. આવકો ધૂમ છે તેના કારણે વિવિધ શાકભાજીના ભાવ ઘટયા છે. જેના કારણે ગરીબ અને મધ્‍યમવર્ગના પરિવારોને મોટી રાહત મળી રહી છે.

(10:51 AM IST)