News of Wednesday, 1st January 2025
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ: કેન્દ્ર સરકારે આપ્યા પરિવારને ત્રણ વિકલ્પ
શહેરી બાબતોના મંત્રાલયે પૂર્વ પીએમના પરિવારને સ્થળ પસંદ કરવા માટે ત્રણ વિકલ્પો આપ્યા : રાજઘાટ, કિસાન ઘાટ અને સમતા સ્થળ. સ્મારક માટે ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ : સ્મારક છ મહિનામાં તૈયાર થઈ જશે

નવી દિલ્હી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારકને લઈને રાજકીય વિવાદ શાંત થયા બાદ શહેરી બાબતોના મંત્રાલયે તેના નિર્માણની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ કરી દીધી છે. આ અંતર્ગત મનમોહન સિંહના પરિવારને સ્થળ પસંદ કરવા માટે ત્રણ વિકલ્પો સૂચવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારને રાષ્ટ્રીય સ્મારક સ્થળ રાજઘાટ, કિસાન ઘાટ અને સમતા સ્થળના ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે અને તેમને તેમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે. મનમોહન સિંહની યાદોને સ્મારકના રૂપમાં યાદ કરવા માટે એક ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાની માહિતી શહેરી બાબતોના મંત્રાલયને મળ્યા બાદ આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
ટ્રસ્ટની અરજી પર સ્મારક માટે દોઢ એકર જમીન ફાળવવામાં આવશે. મનમોહન સિંહની યાદમાં બનાવવામાં આવનાર ટ્રસ્ટમાં કોણ જોડાશે તે પરિવારના સભ્યો નક્કી કરશે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના કેટલાક સભ્યો પણ આમાં સામેલ હોઈ શકે છે, પરંતુ આ નિર્ણય સંપૂર્ણપણે મનમોહન સિંહની પત્ની ગુરુશરણ સિંહ અને તેમની પુત્રીઓ લેશે. ટ્રસ્ટની રચનામાં પાર્ટી સંપૂર્ણ સહયોગ આપશે
મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે અવસાન થયું હતું અને 28 ડિસેમ્બરે નિગમ બોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે મોદી સરકાર પર રાજઘાટ કે સમતા સ્થળે અંતિમ સંસ્કાર ન કરાવીને એક માત્ર શીખ વડાપ્રધાનનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે સરકારે મનમોહન સિંહના નામે કોંગ્રેસ પર સંકુચિત રાજનીતિ કરવાનો આરોપ લગાવીને સ્પષ્ટ કર્યું હતું કે ટ્રસ્ટની રચનાની ફરજિયાત ઔપચારિકતાઓ પછી જ સ્મારકનું નિર્માણ થશે.એવું માનવામાં આવે છે કે જો બધું બરાબર રહ્યું તો મનમોહન સિંહનું સ્મારક છ મહિનામાં તૈયાર થઈ જશે. સ્મારકનું નિર્માણ CPWD દ્વારા કરવામાં આવશે, પરંતુ તેનો ખર્ચ ટ્રસ્ટે ઉઠાવવાનો રહેશે. તેની જાળવણીનો ખર્ચ પણ ટ્રસ્ટ ઉઠાવશે.
સ્મારક ટ્રસ્ટના નામે હશે, પરંતુ જમીનની માલિકી શહેરી બાબતોના મંત્રાલય હેઠળના જમીન અને વિકાસ વિભાગ પાસે રહેશે. CPWD બાંધકામ પ્રક્રિયા અને તેની કિંમત વગેરે અંગેની દરખાસ્ત આ વિભાગ તેમજ ટ્રસ્ટ સાથે શેર કરશે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
