તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 1st January 2025
ગુલમર્ગમાં પારો -૧૧.૫ ડિગ્રી : કાશ્મીર સહિત ઉ.ભારત કાતિલ ઠંડીની ઝપટમાં: રાજસ્થાન, હરિયાણા અને પંજાબના ઘણા વિસ્તારોમાં પણ કાતિલ ઠંડી
ઉત્તરપ્રદેશના ઘણાં વિસ્તારોના તાપમાનમાં પાંચ ડિગ્રીથી વધુ ઘટાડો નોંધાતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા

નવી દિલ્હી, તા.૧: ઉત્તર ભારત ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યું છે ત્યારે કાશ્મીરમાં ‘કોલ્ડવેવ'ની સ્થિતિએ જોર પકડયું છે. મંગળવારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના ઘણા વિસ્તારોમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. હવામાન વિભાગે કાશ્મીરમાં ચાલુ સપ્તાહે હળવી બરફ વર્ષાની આગાહી કરી છે. જ્યારે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસથી વધુનો ઘટાડો નોંધાયો હતો. કાશ્મીરના ગુલમર્ગમાં લઘુતમ તાપમાન -૧૧.૫ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં -૮.૪ ડિગ્રી સેલ્સિયસના સ્તરે ગગડયો હતો. શ્રીનગરમાં તાપમાન -૩.૫ ડિગ્રી, કાઝીગુંડમાં -૭.૫ ડિગ્રી અને કોકરનાગમાં લઘુતમ તાપમાન -૫.૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ‘ન્યૂયર'ના દિવસે હળવી હિમવર્ષા અને ચાલુ સપ્તાહે મધ્યમ બરફવર્ષાની શકયતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ‘‘૧-૨ જાન્યુઆરીએ કાશ્મીરમાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છુટાછવાયા સ્થળે હળવી હિમવર્ષાની શકયતા છે. જ્યારે મધ્યમથી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૩-૬ જાન્યુઆરીમાં આવે તેવી શકયતા છે. તેને લીધે ૪-૬ જાન્યુઆરીના ગાળામાં લગભગ તમામ સ્થળે હિમવર્ષાની શકયતા છે.'' દિલ્હીમાં ૨૦૨૪ના આખરી દિવસે આકાશ વાદળછાયું રહયું હતું. રાજધાનીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨.૭ ડિગ્રી નીચું ૧૭.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન સામાન્યથી ૨.૬ ડિગ્રી નીચે ૯.૬ ડિગ્રીના સ્તરે રહયું હતું.
ઉત્તર પ્રદેશ પણ ‘કોલ્ડ વેવ'માં ધ્રૂજ્યું હતું. લખનઉના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યના ઓછામાં ઓછા ૫૦ જિલ્લામાં મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી વધુ ઘટયું હતું. બુધવાર સુધી ઠંડીનું મોજું યથાવત્ રહેવાની શકયતા છે. રાજસ્થાનના ઘણા ભાગોમાં પણ તીવ્ર ઠંડી હતી અને પશ્ચિમ રાજસ્થાનમાં ઠંડાથી માંડી અતિ ઠંડો દિવસ રહયો હતો. બિકાનેરના શ્રીગંગાનગર અને લુકરન્સર રાજ્યના સૌથી ઠંડા સ્થળ રહયા હતા અને તેનું લઘુતમ તાપમાન ૪.૬ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હરિયાણાના નારનૌલમાં પારો ૪.૫ ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. પંજાબનું ભટિંડા ૫ ડિગ્રી સેલ્સિયસના લઘુતમ તાપમાન સાથે સૌથી ઠડું હતું. ઉત્તરાખંડમાં પર્યટકોએ સ્વચ્છ હવામાનમાં દર્શનીય સ્થળોનો લાભ લીધો હતો. ઝારખંડમાં બે દિવસમાં પારો ૩થી ૫ ડિગ્રી ઘટવાની શકયતા છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
