<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st January 2025

૯ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્‍જો

ગુજરાતની ભુપેન્‍દ્રભાઇ પટેલ સરકારનો નવા વર્ષના પ્રથમ દિવસે મહત્‍વનો નિર્ણય : કેબીનેટની મંજુરી : મહેસાણા, વાપી, ગાંધીધામ, મોરબી, પોરબંદર, નડીયાદ, સુરેન્‍દ્રનગર અને આણંદ હવે બનશે મહાનગરપાલીકા

અમદાવાદ, તા., ૧: નવા વર્ષના પ્રથમ દિવસે પહેલી જાન્‍યુઆરીએ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્‍યમાં નવ નગરપાલિકાને મહા નગરપાલિકા તરીકે મંજૂરી અપાઈ છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્‍દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને હવે મહા નગરપાલિકાનો દરજ્જો અપાયો છે. છેલ્લા ઘણાં સમયથી આ નગરોના રહેવાસીઓની માગ હતી, જેથી લોકોમાં ખુશીનો માહોલ છે. 

આ નગર પાલિકાઓને મહા નગરપાલિકા એટલે કે મ્‍યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપી રાજ્‍ય સરકાર ગુજરાતીઓને નવા વર્ષની ભેટ આપી છે. સૂત્રોના મતે, રાજ્‍યમાં ૮૫ પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની હતી, પરંતુ જો નવ પાલિકાને મહા નગરપાલિકાનો દરજ્જો અપાતા ઘણાં વહીવટી ફેરફાર થઈ શકે છે કારણ કે, નવી મહા નગરપાલિકામાં જ અન્‍ય નગરપાલિકાને ભેળવી દેવાશે. આ જોતાં ૬૦ પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી પણ શકયતા છે. 

સૂત્રોના અહેવાલ અનુસાર સીએમઓ દ્વારા તમામ જરૂરી ઔપચારિકતા પૂર્ણ કરી લેવા સંબંધિત વિભાગોને જાણ કરી દેવામાં આવી છે. જ્‍યારે જે હાલમાં નગરપાલિકાઓ છે તેની આજુબાજના ગામડાઓને પણ મહાપાલિકામાં આવરી લેવામાં આવી શકે છે. આ સાથે બજેટમાં પણ ગ્રાન્‍ટ ફાળવણી કરવામાં આવી શકે છે.રાજ્‍યમાં મહાપાલિકાની સંખ્‍યા ૧૭ થઈ જશે

રાજ્‍યમાં વધુ ૯ મહાપાલિકાનો ઉમેરો થઈ ગયો છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવી રહ્યું છે.મુખ્‍યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્‍તારમાં સમાવિષ્ટ વિસ્‍તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્‍તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્‍ટ પણ ફાળવવામાં આવનાર છે.

પહેલા બનેલી મહાપાલિકા રાજયમાં પહેલા બનેલી પાલિકાની વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર આટલી પાલિકા હાલમાં કાર્યરત છે.ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે થઈ રહ્યો છે,જેમાં તાલુકા વધવા લાગ્‍યા અને વસ્‍તી વધવા લાગી તેમ સરકાર પણ નિર્ણય લઈ રહી છે.નવી કોર્પોરેશન બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ થશે. (૪.૩૨)

(12:13 PM IST)