News of Sunday, 15th December 2024
પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધાશે
ઉત્તરાખંડના કેદાર ઘાટી અને બદ્રીનાથમાં હિમવર્ષા ચાલુઃ નૈનીતાલ સહિત કુમાઉ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં હળવી હિમવર્ષા પડી રહી છે તેમજ પહાડોમાં થયેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી

નવી દિલ્હી, 15 ડિસેમ્બર, 2024: દેશના પર્વતીય વિસ્તારનાં રાજ્યોમાં ગઈકાલ (શનિવાર) રાતથી હિમવર્ષા થઈ રહી છે. ઊંચા પહાડી વિસ્તારો ઉપર જાણે બરફની ચાદર છવાઈ ગઈ છે. એક તરફ આ હિમવર્ષા માણવા પહોંચેલા પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાત સહિત ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં શીતલહેર ફેલાઈ ગઈ છે, જે આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે.
ઉત્તર ભારતનાં રાજ્યો, ખાસ કરીને હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડના કેદાર ઘાટી અને બદ્રીનાથ વિસ્તારમાં પણ નોંધપાત્ર હિમવર્ષા થઈ છે. નૈનીતાલ સહિત કુમાઉ ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં હળવી હિમવર્ષા પણ થઈ છે. પહાડોમાં થયેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે.
હિમાલયના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં વધુ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. IMDએ કહ્યું કે દિલ્હી-NCRમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવ ચાલુ રહેશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને કડકડતી ઠંડી પડશે. IMD અનુસાર, રવિવારે (15 ડિસેમ્બર) લઘુતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. તેજસ્વી સૂર્યપ્રકાશ સાથે ઠંડા પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સોમવારે પણ દિલ્હી-NCRમાં હવામાન સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ સાથે ઠંડીનું મોજું રહેશે.
તાજી હિમવર્ષાને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સપ્તાહ સુધી દેશના ઘણા ભાગોમાં શીત લહેરની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું આવવાની શક્યતા છે. ગુજરાતમાં પણ નોંધપાત્ર રીતે ઠંડીનો ચમકારો અનુવાશે. IMDના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ લઘુતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી પણ ઓછું હોઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 7 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ડિસેમ્બરના 19-25માં સપ્તાહ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. જોકે, IMD એ તેના નવીનતમ બુલેટિનમાં જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની ધારણા છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
