<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

‘ધનકુબેર'ને જોઇએ છે રૂ.૨૫૫૦૦૦૦૦૦૦૦૦ની લોન

અડધો ડઝન બેંકો સાથે વાતચીત : ચુકવવુ છે રિલાયન્‍સનું દેવું

નવી દિલ્‍હી, તા.૧૦: રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્‍યક્‍તિ મુકેશ અંબાણીને લોનની જરૂર છે. આ માટે તેઓ લગભગ અડધો ડઝન બેંકો સાથે વાતચીત કરી રહ્‍યા છે. આ લોન તેની કંપની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝનું દેવું ચૂકવવા માટે જરૂરી છે. બ્‍લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

ઈકોનોમિક ટાઈમ્‍સમાં પ્રકાશિત બ્‍લૂમબર્ગના અહેવાલ મુજબ મુકેશ અંબાણીની કંપની રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ તેની લોન ચૂકવવા માંગે છે જે તેણે આવતા વર્ષ સુધીમાં ચૂકવવાની છે. આ લોનની ચુકવણી કરવા માટે કંપનીને ૩ બિલિયન ડોલર (લગભગ ૨૫૫૦૦ કરોડ રૂપિયા)ની લોનની જરૂર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે લગભગ અડધો ડઝન બેંકો લોન માટે રિલાયન્‍સ ગ્રૂપ સાથે ચર્ચા કરી રહી છે, જે ૨૦૨૫ના પ્રથમ ક્‍વાર્ટરમાં માર્કેટમાં સિન્‍ડિકેટ થશે. રિપોર્ટમાં કેટલાક લોકોના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે. શરતો હજુ સુધી આખરી કરવામાં આવી નથી અને ફેરફારોને પાત્ર છે, લોકોએ જણાવ્‍યું હતું.

બ્‍લૂમબર્ગ ન્‍યૂઝના ડેટા અનુસાર, રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ પર લગભગ $૨.૯ બિલિયનનું દેવું છે. આમાં તે વ્‍યાજ પણ સામેલ છે જે કંપનીએ વર્ષ ૨૦૨૫માં ચૂકવવાનું છે. રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝે પણ વર્ષ ૨૦૨૩માં ૮ બિલિયન ડોલરથી વધુની લોન લીધી હતી.

કંપનીના શેરમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્‍યો છે. સોમવારે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝનો શેર ૧.૧૬%ના ઘટાડા સાથે રૂ. ૧૨૯૬.૪૦ પર બંધ થયો હતો. છેલ્લા ૬ મહિના કંપની માટે ખૂબ જ મુશ્‍કેલ રહ્‍યા છે. બજારમાં ઘટાડાની અસર રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના શેર પર પડી છે.

છેલ્લા ૬ મહિનામાં કંપનીના શેરમાં લગભગ ૧૨ ટકાનો ઘટાડો થયો છે. કંપનીના માર્કેટ કેપમાં પણ ઘટાડો થયો છે. જો આ વર્ષની વાત કરીએ તો કંપનીના શેરનું વળતર એક ટકા પણ નથી આવ્‍યું.

(10:30 AM IST)