<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

મોર્ગન સ્‍ટેનલીના મતે આવતા વર્ષે સેન્‍સેક્‍સ ૧ લાખની સપાટી પાર કરશે

સેન્‍સેકસમાં ૩૦ ટકા નફો થવાની શકયતા : બ્રોકરેજનું ધ્‍યાન મારુતિ સુઝુકી, રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ અને ઈન્‍ફોસીસ જેવી મોટી કંપનીઓ પર છે

નવી દિલ્‍હી, તા.૭: વર્ષ ૨૦૨૪માં ૮૬૦૦૦ પોઈન્‍ટની નજીક પહોંચ્‍યા બાદ સેન્‍સેક્‍સ હવે ૨૦૨૫માં ૧ લાખનો આંકડો પાર કરી શકે છે. આ અંદાજ મોર્ગન સ્‍ટેનલીએ લગાવ્‍યો છે. મોર્ગન સ્‍ટેનલીના મતે આવતા વર્ષે સેન્‍સેક્‍સ ૧ લાખની સપાટી પણ પાર કરી શકે છે. જોકે, આ વધારો ત્‍યારે થશે જ્‍યારે બજારમાં તેજીનું વાતાવરણ હશે. જ્‍યારે બેઝ કેસમાં સેન્‍સેક્‍સ ડિસેમ્‍બર ૨૦૨૫ સુધીમાં ૯૩ હજાર પોઈન્‍ટના સ્‍તરે પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે ૬ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ સેન્‍સેક્‍સ ૮૧,૭૦૦ પોઈન્‍ટના સ્‍તરે છે.

ઈકોનોમિક ટાઈમ્‍સમાં છપાયેલા અહેવાલ મુજબ મોર્ગન સ્‍ટેનલીએ કહ્‍યું કે ભારતનું શેર બજાર ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન આપશે. ગ્‍લોબલ બ્રોકરેજ ફર્મે અંદાજ લગાવ્‍યો છે કે મજબૂત અર્નિંગ ગ્રોથ, મેક્રોઇકોનોમિક સ્‍ટેબિલિટી અને મજબૂત સ્‍થાનિક મૂડીપ્રવાહને સમર્થન મળતા તેજીના અંદાજ પર BSE સેન્‍સેક્‍સ વધીને ૧,૦૫,૦૦૦ સુધી પહોંચી શકે છે.

મોર્ગન સ્‍ટેનલીએ ડિસેમ્‍બર ૨૦૨૫ સુધીમાં સેન્‍સેક્‍સ ૧,૦૫,૦૦૦ પોઈન્‍ટ્‍સ સુધી પહોંચવાની ૩૦ ટકા સંભાવનાની આગાહી કરી છે. તેનું બેઝ આઉટલૂક ૯૩,૦૦૦નું લક્ષ્ય નક્કી કરે છે, જે વર્તમાન સ્‍તરોથી ૧૪ ટકા વધારે છે. મોર્ગન સ્‍ટેનલીના રિધમ દેસાઈને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે બેઝ આઉટલૂક ધારે છે કે ભારત રાજકોષીય શિસ્‍ત જાળવી રાખશે. મોર્ગન સ્‍ટેન્‍લીનું આઉટલૂક પણ માને છે કે ભારત મેક્રો ઇકોનોમિક સ્‍ટેબિલિટી જાળવી રાખશે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધશે.

મોર્ગન સ્‍ટેન્‍લી ફાઇનાન્‍સ, ટેક્‍નોલોજી, કન્‍ઝ્‍યુમર ડયુરેબલ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં તેજી ધરાવે છે. બ્રોકરેજનો અંદાજ છે કે તાજેતરના કરેક્‍શનને પગલે સ્‍મોલ અને મિડ-કેપ શેરો નજીકના ભવિષ્‍યમાં લાર્જ-કેપ શેરોને પાછળ રાખી શકે છે. બ્રોકરેજનું ધ્‍યાન મારુતિ સુઝુકી, રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ અને ઈન્‍ફોસીસ જેવી મોટી કંપનીઓ પર છે.(૨૩.૮)

(9:56 AM IST)