<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th December 2024

માલિકને શોધવા ૩ દિવસ સુધી ૩ ભેંસને પોલીસ-સ્‍ટેશને બાંધી રખાઈ

જોધપુર, તા.૭: સામાન્‍ય રીતે આરોપીની ઓળખ-પરેડ કરાવાતી હોય છે, પણ રાજસ્‍થાનના જોધપુરમાં ભેંસના માલિકની ઓળખ કરાવવી પડી હતી. એ તો ઠીક, ભેંસનાં બચ્‍ચાંઓને પણ પોલીસ-સ્‍ટેશનમાં ‘હાજર' થવું પડયું હતું. બન્‍યું એવું કે ૩૦ નવેમ્‍બરે રાતે અસિસ્‍ટન્‍ટ સબ-ઇન્‍સ્‍પેક્‍ટર સુભાષ વિશ્નોઈ ટીમ સાથે પૅટ્રોલિંગમાં નીકળ્‍યા હતા ત્‍યારે મોડી રાતે ૩ વાગ્‍યે તેમણે એક જણને ૩ ભેંસ લઈને જતો જોયો. વિશ્નોઈએ તેને અટકાવીને પૂછપરછ કરી, પણ તેના જવાબથી સંતોષ ન થયો એટલે ત્રણેય ભેંસને પોલીસ-સ્‍ટેશન લઈ જઈને બાંધી દીધી. બીજા દિવસે એ માણસને પોલીસ-સ્‍ટેશન બોલાવ્‍યો અને ત્રણેય ભેંસના માલિક શોધવા માટે વિડિયો બનાવ્‍યો અને વાઇરલ કર્યો. એ વિડિયો જોઈને ઉદયમંદિરમાં રહેતો મોહમ્‍મદ શરીફ પોલીસ-સ્‍ટેશન આવ્‍યો. તેણે કહ્‍યું કે આ ત્રણેય ભેંસ મારી છે. પોલીસે કહ્‍યું કે ભેંસ તારી હોય તો એ ભેંસનાં બચ્‍ચાં લઈ આવ. શરીફ એ વાછરડાં પોલીસ-સ્‍ટેશન લઈ આવ્‍યો. વાછરડાં ભેંસનું દૂધ પીવા માંડયાં એટલે પોલીસને વિશ્વાસ બેઠો કે શરીફ જ અસલી માલિક છે. પછી શરીફને ત્રણેય ભેંસ સોંપી દીધી હતી.

(9:44 AM IST)