<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

એક ફુલ દો માલી : ૨૪ વર્ષની છોકરીએ બે મહિનામાં બે લગ્ન કર્યા : પોલીસ સ્‍ટેશનમાં બંને પતિ લઈ જવા જીદે ચડયા

મધ્‍ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો

ભોપાલ, તા.૫: મધ્‍ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં ૨૪ વર્ષની એક છોકરીએ બે મહિનામાં બે લગ્ન કરી લીધા. પહેલા પતિને પત્‍ની ગાયબ દેખાઈ તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જ્‍યારે પોલીસે તેને શોધ કરી તો જાણવા મળ્‍યું કે તેણે બીજા લગ્ન કરી લીધા છે. હવે મહિલાના બંને પતિ પોલીસ સ્‍ટેશનમાં આવીને બેસી ગયા છે અને તેને પોતપોતાની સાથે લઈ જવાની જીદ કરવા લાગ્‍યા છે.

જ્‍યારે પોલીસ સાથે પૂછપરછ કરવામાં આવી તો મહિલાએ જણાવ્‍યું કે, તેણે પહેલા યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, ત્‍યાર બાદ બીજા યુવક સાથે પણ તેણે બે મહિના પછી કોર્ટ મેરેજ કરી લીધા. આ ઘટનાની જાણ થતાં પહેલા પતિએ પોલીસ સ્‍ટેશનમાં પત્‍ની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જ્‍યારે પોલીસે મહિલાને શોધી લીધી તો જાણવા મળ્‍યું કે, તેણે તો બીજા લગ્ન કરી લીધા છે.

ત્‍યાર બાદ મહિલાના બંને પતિ પોલીસ સ્‍ટેશનમાં આવ્‍યા. અહીં બંને વચ્‍ચે વાતચીત થતાં ઝઘડો થયો કે આખરે પત્‍નીને કોણ સાથે લઈ જશે. આ દરમ્‍યાન મહિલાએ કહ્યું કે, તે પોતાના બીજા પતિ સાથે રહેવા માગે છે. તે જૂના પતિને છૂટાછેડા આપવા માગે છે.

પહેલા પતિએ પોલીસને જણાવ્‍યું કે, તેને અને મહિલાનો સંબંધ આઠ વર્ષ જૂનો છે. બે મહિના પહેલા જ તેણે લગ્ન કર્યા છે. એક અઠવાડિયા પહેલા પત્‍ની એવું કહીને ગઈ હતી, તેની માની તબિયત ખરાબ છે. ત્‍યાર બાદ તે પાછી આવી નથી.

હવે આ મામલામાં પોલીસનું કહેવું છે કે, જો તેનો પહેલો પતિ પત્‍ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે તો મહિલા વિરુદ્ધ કેસ લેવામાં આવશે. હાલમાં આ કેસમાં તપાસ ચાલી રહી છે.

(11:01 AM IST)