<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

પોલીસે મધ્યસ્થી કર્યા બાદ મરકડવાડી ગામમાં ફેર ચૂંટણી પડતી મુકાઈ

માલશિરસ મતવિસ્તારમાં આવેલા મરકડવાડી ગામમાં મંગળવારે વિધાનસભાની ફેર-ચૂંટણી બૅલટ પેપરના આધારે યોજાવાની હતી

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ મતવિસ્તારમાં આવેલા મરકડવાડી ગામમાં મંગળવારે વિધાનસભાની ફેર-ચૂંટણી બૅલટ પેપરના આધારે યોજાવાની હતી, પરંતુ પોલીસે મધ્યસ્થી કર્યા બાદ આ ચૂંટણી પડતી મુકવામાં આવી હોવાનું એનસીપી-એસપીના વિજયી થયેલા ઉમેદવારે જણાવ્યું હતું.

ગામવાસીઓ જો ફેર-ચૂંટણી કરાવવા માટે આગળ આવ્યા તો તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી આપ્યા બાદ તેઓએ ચૂંટણી પડતી મૂકી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

અગાઉ મરકડવાડી ગામમાં ત્રીજી ડિસેમ્બરે વિધાનસભાની ફેર-ચૂંટણી યોજવામાં આવશે એવા બેનરો લાગ્યા હતા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી-એસપીના ઉમેદવાર ઉત્તમ જણકરે ભાજપના ઉમેદવાર રામ સાતપુતેને ૧૩,૧૪૭ મતથી માત આપી હતી.

 

જણકરના વિજય બાદ ગામવાસીઓએ દાવો કર્યો હતો કે તેઓએ સાતપુતેને મત આપ્યો હોવાથી તેમની હાર થાય તે શક્ય જ નથી અને તેમને ઇવીએમ પર શંકા વ્યક્ત કરી હતી. ફેર-ચૂંટણીની જાહેરાત કર્યા બાદ કોઇ તંગદિલી ઊભી ન થાય અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને માલશિરસના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સોમવારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ બીજી ડિસેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી વિસ્તારમાં પ્રતિબંધિત આદેશ જાહેર કર્યો હતો.

ગામવાસીઓએ ફેર-ચૂંટણી માટેની બધી વ્યવસ્થા પણ કરી હોવાથી મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

 

અમે ગામવાસીઓને સમજાવી દીધું હતું કે જો એક પણ મત આપવામાં આવ્યો તો સંબંધિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ત્યાર બાદ ફેર-ચૂંટણી રદ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી સુપરિન્ટેડેન્ટ પોલીસ (માલશિરસ ડિવિઝન) નારાયણ ક્ષિરસાગરે જણાવ્યું હતું.

(6:55 PM IST)