<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષો દરમિયાન જીએસટી ચોરીના 12,803 કેસ નોંધ્યા: 101 લોકોની ધરપકડ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2023-24માં GST કલેક્શન 20.18 લાખ કરોડ રૂપિયા હતું. 2.08 લાખ કરોડના રિફંડ જાહેર કરાયા

નવી દિલ્હી :સેન્ટ્રલ ટેક્સ સત્તાવાળાઓએ ગુજરાતમાં છેલ્લા ચાર નાણાકીય વર્ષો દરમિયાન જીએસટી ચોરીના 12,803 કેસ નોંધ્યા છે અને 101 લોકોની ધરપકડ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપી. "ગુજરાતમાં, નાણાકીય વર્ષ 2021-22 થી 2024-25 દરમિયાન (31 ઓક્ટોબર, 2024 સુધી), કેન્દ્રીય કર માળખા દ્વારા નોંધાયેલા GST ચોરીના કેસોની સંખ્યા 12,803 છે," સીતારમને જણાવ્યું હતું

30 ઓક્ટોબર 2024 સુધી ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં GST ચોરીના કેસોની સંખ્યા અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે આવા કિસ્સાઓમાં, IPC (હવે ભારતીય ન્યાય સંહિતા, 2023) હેઠળ ત્રણ FIR નોંધવામાં આવી હતી અને આ FIRમાં આઠ લોકોના નામ સામેલ છે.

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે GST ચોરીના કેસોમાં CGST એક્ટ, 2017ની કલમ 69 ની જોગવાઈઓ હેઠળ 101 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યસભામાં એક અલગ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં GST કલેક્શનની વિગતો આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2023-24માં GST કલેક્શન 20.18 લાખ કરોડ રૂપિયા હતું. 2.08 લાખ કરોડના રિફંડ જાહેર કરવામાં આવ્યા હતા. 2022-23માં GSTની કુલ આવક રૂ. 18.08 લાખ કરોડ હતી અને રૂ. 2.20 લાખ કરોડના રિફંડ જાહેર કરવામાં આવ્યા હતા.

 

નાણાકીય વર્ષ 2021-22 અને 2020-21માં ગ્રોસ કલેક્શન રૂ. 14.83 લાખ કરોડ અને રૂ. 11.37 લાખ કરોડ હતું. આ બે વર્ષમાં અનુક્રમે રૂ. 1.83 લાખ કરોડ અને રૂ. 1.25 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-ઓક્ટોબર)માં ગ્રોસ GST કલેક્શન રૂ. 12.74 લાખ કરોડ હતું, જ્યારે રૂ. 1.47 લાખ કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા. નેટ GST કલેક્શન રૂ. 11.27 લાખ કરોડ રહ્યું હતું.

 

(6:46 PM IST)