<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની કોર્ટમાં સુનાવણી પહેલા તેમના વકીલ રમણ રોય પર જીવલેણ હુમલો

કોલકતા ઇસ્કોનનાં પ્રવક્તાએ કહ્યું ઇસ્લામ ધર્મના કટ્ટરપંથીઓએ વકીલના ઘરમાં તોડફોડ કરી: વકીલ રોય આ હુમલામાં ઇજાગ્રસ્ત:તેઓ હાલમાં આઈસીયુમાં છે અને જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે.

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા જોવા મળી રહી છે. તાજેતરમાં ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં તેમની મુક્તિની માંગ ઉઠી રહી છે. તેના જામીન અંગેની સુનાવણી આજે 3જી ડિસેમ્બરે હાથ ધરાશે. આ દરમિયાન, હવે ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારામ દાસે સોમવારે દાવો કર્યો હતો કે ચિન્મય દાસનો કેસ લડનારા વકીલ રમણ રોય પર હુમલો કરવામાં આવ્યો હતો અને હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ છે.

રાધારમ દાસના કહેવા પ્રમાણે, રોયની એક જ ભૂલ છે જેના કારણે તેમના પર હુમલો થયો અને તે એ છે કે તેઓ પ્રભુ ચિન્મયનો કેસ લડી રહ્યા છે. રાધારામ દાસે એ પણ જણાવ્યું કે ઇસ્લામ ધર્મના કટ્ટરપંથીઓએ વકીલના ઘરમાં તોડફોડ કરી છે. કોલકાતાના ઇસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે, વકીલ રોય આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે અને તેઓ હાલમાં આઈસીયુમાં છે અને જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે.

એક બંગાળી ચેનલ સાથે વાત કરતા રાધારામ દાસે કહ્યું કે, વકીલ રોય પરનો આ હુમલો ચિન્મય કૃષ્ણ પ્રભુના કાયદાકીય બચાવનું પરિણામ છે. આનાથી બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓના અધિકારોની રક્ષા કરનારાઓ માટે ખતરો વધી રહ્યો છે. બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોતના પ્રવક્તા તરીકે સેવા આપતા પ્રભુ ચિન્મય કૃષ્ણને સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક રેલીમાં ભાગ લેવા માટે ચટ્ટોગ્રામ જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેને મંગળવારે જેલમાં મોકલી આપ્યો હતો.

30 ઓક્ટોબરે ચટગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં હિન્દુ સંત ચિન્મય દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર હિંદુ સમુદાયની એક રેલી દરમિયાન ચટગાંવના ન્યૂ માર્કેટ વિસ્તારમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો. આ પછી, તેના જામીન અંગેની સુનાવણી 3જી ડિસેમ્બરે થવાની હતી.

બાંગ્લાદેશના ઈતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1971 દરમિયાન બાંગ્લાદેશની વસ્તીના લગભગ 22 ટકા હિંદુ સમુદાય હતો. જો કે, હવે હિન્દુ સમુદાય બાંગ્લાદેશની વસ્તીના માત્ર 8 ટકા જેટલો છે.

ચિન્મય કૃષ્ણ દાસની 25 નવેમ્બરે દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, દેશના હિંદુઓમાં ગુસ્સો છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે અને મુક્તિના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. ભારતે પણ બાંગ્લાદેશની આ કાર્યવાહીની નિંદા કરી છે.

(11:25 AM IST)