<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

દિલ્‍હીના પ્રશાંત વિહારમાં મીઠાઈની દુકાન પાસે સ્‍કૂટરમાં વિસ્‍ફોટ : સફેદ પાવડર જેવી વસ્‍તુ મળી

બ્‍લાસ્‍ટથી વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ : પોલીસ તપાસ શરૂ

નવી દિલ્‍હી તા. ૨૮ : દેશની રાજધાની દિલ્‍હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્‍તારમાં એક સ્‍કૂટરમાં જોરદાર વિસ્‍ફોટ થયો છે. બ્‍લાસ્‍ટથી વિસ્‍તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ દિલ્‍હી પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. વિસ્‍તારમાં વિસ્‍ફોટનો જોરદાર અવાજ સંભળાયો હતો.

મળતી માહિતી મુજબ પોલીસને પ્રશાંત વિહાર વિસ્‍તારમાંથી વિસ્‍ફોટની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયરની ગાડીઓ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે મીઠાઈની દુકાન પાસે સ્‍કૂટરમાં જોરદાર વિસ્‍ફોટ થયો હતો.

હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સ્‍થળ પર સફેદ પાવડર જેવી વસ્‍તુ મળી હોવાની માહિતી મળી છે. ફોરેન્‍સિક ટીમને ઘટનાસ્‍થળે બોલાવવામાં આવી છે, તે પછી જ સ્‍પષ્ટ થશે.

વિસ્‍ફોટથી સેન્‍ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) સ્‍કૂલની દિવાલમાં મોટો ખાડો પડી ગયો હતો. બોમ્‍બ વિસ્‍ફોટમાં વિસ્‍ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. સ્‍થળ પર સફેદ પાવડરનો મોટો જથ્‍થો વિખેરાયેલો મળી આવ્‍યો હતો.

વિસ્‍ફોટને કારણે શાળાની બાઉન્‍ડ્રી વોલના કાણાંની સાથે સીઆરપીએફ સ્‍કૂલની સામે આવેલી દુકાનોના બારીના કાચ અને સાઈનબોર્ડ પણ તૂટી ગયા હતા. વિસ્‍ફોટ બાદ નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી સહિતની કેન્‍દ્રીય એજન્‍સીઓએ ઘટના સ્‍થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્‍થળ પાસે સફેદ પાવડર વેરવિખેર જોવા મળ્‍યો હતો.

(2:55 PM IST)