<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

શું ગુજરાતને વધુ એક મેગા રિફાઇનરી મળશે ?! સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં સ્થાપવામાં આવે તેવી શક્યતા

વિશ્વની સૌથી મોટી સાઉદી અરેબિયાની ક્રુડ ઓઇલ કંપની અરામકો ભારતમાં મેગા રિફાઇનરી સ્થાપવા આગળ વધી રહી છે.

નવીદિલ્હી: આગામી સમયમાં ઓઇલ રિફાઇનરીનો વધુ એક મેગા પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થાપવામાં આવે તેવા સંકેત છે. વિશ્વની સૌથી મોટી સાઉદી અરેબિયાની ક્રુડ ઓઇલ કંપની અરામકો ભારતમાં મેગા રિફાઇનરી સ્થાપવા આગળ વધી રહી છે. એક તબક્કે તેને મહારાષ્ટ્રમાં  રિફાઇનરી સ્થાપવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ અહીં જમીન સહિતના મુદ્દે વહીવટી કાર્ય અત્યંત ધીમી પ્રક્રિયા વાળું હોવાથી અરામકોએ હવે ગુજરાતમાં ઓએનજીસી સાથે રહીને આ રિફાઇનરી સ્થાપવા વિચારણા શરૂ કરી છે. જ્યારે આંધ્રપ્રદેશ સરકારે પણ આ પ્રોજેક્ટ મેળવવા માટે તૈયારી કરી છે અને તેણે સરકારી સાહસ બીપીસીએલને સાથે જોડ્યું છે.

       ગલ્ફમાંથી ક્રુડ ઓઇલ લાવીને ભારતમાં સ્થાપનારી આ મેગા રિફાઇનરી મારફત વિશ્વભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનની નિકાસ કરવા સાઉદી અરેબિયા તૈયારી કરી રહ્યું છે. ૧૦થી૧૫ મીલીયન ટનની આ રીફાઈનરી ૧૦૦ બિલીયન ડોલરનો પ્રોજેક્ટ છે.  વડાપ્રધાન મોદી આગામી મહિને સાઉદી અરેબિયા જઈ રહ્યા છે અને તે સમયે આ કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. 

    આ ઉપરાંત સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે રેલવે અને પોર્ટ તેમજ વોટર-વે તૈયાર કરવા પણ વિચારાઈ રહ્યું છે. અગાઉ આંધ્રપ્રદેશ જ્યારે વિભાજન નહોતું થયું તે સમયે બીપીસીએલ ઉપરાંત એચપીસીએલ અને અરામકો વચ્ચે આ અંગે એક કરાર અંગે ચર્ચા થઈ હતી. પરંતુ ત્યાર પછી ધીમી પડી ગઈ હતી. ગુજરાતમાં હાલ ૩ રિફાઇનરી કાર્યરત છે, અને ચોથી આવે તેવા સંકેત છે. જો આ રિફાઇનરી ગુજરાતમાં આવે તો, સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં સ્થાપવામાં આવે, તેવી શક્યતા નકારી શકાય નહીં.

(11:25 PM IST)