<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

હા,હું અદાણીના ઘરે અમિત શાહને મળ્‍યો હતો.. શરદ પવારે ૨૦૧૯ની બેઠક વાળી વાત સ્‍વીકારી

આ બેઠકમાં મને ભાજપને ટેકો આપવા અપીલ કરાઈ હતી : રાજકીય ગરમાવો : ગૌતમ અદાણી રાજકીય ચર્ચાનો હિસ્‍સો બન્‍યા ન હતાઃ તેમણે માત્ર ડિનરનું આયોજન કર્યુ હતુ

નવી દિલ્‍હી, તા.૧૫: મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીના આરે ગણતરીના દિવસો બાકી છે, ત્‍યાં વિવિધ રાજકીય પક્ષો એક-બીજા પર આકરા પ્રહારો કરતાં વોટ બેન્‍ક હાંસલ કરવાની તનતોડ મહેનત કરી રહ્યા છે. હાલમાં જ અજિત પવારના કરેલા દાવાને સ્‍વીકારતાં વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું કે, તેમણે ૨૦૧૯માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ભાજપ, એનસીપી નેતાઓ સાથે બેઠક કરી હતી.

મીડિયા સાથે વાતચીત કરતાં શરદ પવારે જણાવ્‍યું કે, ૨૦૧૯માં અદાણીના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં તે પોતે, અદાણી, કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ અને અજિત પવાર ઉપસ્‍થિત રહ્યા હતા. જો કે, ગૌતમ અદાણી રાજકીય ચર્ચાનો હિસ્‍સો બન્‍યા ન હતા. તેમણે માત્ર ડિનરનું આયોજન કર્યું હતું. અજિત પવારે દાવો કર્યો હતો કે, ૨૦૧૯માં ભાજપ અને એનસીપીના નેતાઓએ અદાણીના ઘરે બેઠક યોજી હતી. જે દર્શાવે છે કે, ભાજપ અદાણીની સરકાર છે.

રિપોર્ટ અનુસાર, શરદ પવારે જણાવ્‍યું કે, આ બેઠકમાં મને ભાજપને ટેકો આપવા અપીલ કરાઈ હતી. તેના બદલામાં મારા પક્ષના અમુક સભ્‍યો પર ચાલી રહેલા કેસો રદ કરવાનું વચન આપ્‍યું હતું. પરંતુ મને ભાજપ પર વિશ્વાસ ન હતો. જેથી મે આ સોદો સ્‍વીકાર્યો નહીં. આ સમગ્ર ચર્ચામાં અદાણીએ કયાંય ભાગ લીધો ન હતો. તેઓ માત્ર ડિનરમાં અમારી સાથે હતાં.

અજિત પવારે હાલમાં જ નિવેદન આપ્‍યું હતું કે, ૨૦૧૯માં ભાજપના દિગ્‍ગજ નેતાઓ, એનસીપી નેતાઓએ ગૌતમ અદાણીના ઘરે બેઠક કરી હતી. જેમાં ગૌતમ અદાણી, પ્રફુલ પટેલ, દેવેન્‍દ્ર ફડણવીસ, અજિત પવાર, શરદ પવાર ઉપસ્‍થિત હતાં. અજિત પવારના આ નિવેદનથી જ રાજકારણમાં ખળભળાટ મચ્‍યો હતો. વિપક્ષના નેતાઓએ આ નિવેદન પર દાવો કર્યો છે કે, મોદી સરકાર એ વાસ્‍તવમાં અદાણીની સરકાર છે.

(4:15 PM IST)