<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

રોકડમાં સોનું ખરીદવાની મર્યાદા બે લાખથી વધારી પાંચ લાખ કરવા માંગ

સોનાનો ભાવ વધ્‍યા પછી પણ પાનકાર્ડની લિમિટ જૂના ભાવ મુજબ

નવી દિલ્‍હી, તા.૧૫: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઢાલ સોનાનો ભાવ પ્રતિ તોલાએ ૭૮થી ૮૦ હજાર રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે, સોનાનો ભાવ પ્રતિ તોલાએ ૫૦ હજાર હતો. તે સમયે રૂ. બે લાખ સુધીની રોકડમાં સોનાની ખરીદી કરતી વખતે પાનકાર્ડ આપવાની જે મર્યાદા રાખવામાં આવી છે, તે મર્યાદા હાલમાં સોનાના વધતા ભાવને જોતા વધારીને પાંચ લાખ કરવા માટે માંગ ઉઠી છે. સોનાના ભાવમાં વધારો થવા સાથે જૂના નિયમોને કારણે વેપાર પર મોટી અસર થઈ રહી હોવાનો સૂર જવેલર્સમાંથી ઊઠી રહ્યો છે.

આજના સમયમાં પ્રતિ તોલાએ રૂ.૭૮થી ૮૦ હજારના ભાવ મુજબ સોનાની ખરીદી કરવામાં આવે તો મજૂરી સાથે ૨૦થી રર ગ્રામ જેટલા જ સોનાના દાગીના આવી શકે છે. સામાન્‍ય વર્ગ પોતાની પર્સનલ બચતમાંથી સોનાની ખરીદી કરે છે, ત્‍યારે તેઓ માટે હાલના સોનાના વધેલા ભાવને જોતા રોકડમાં સોનું ખરીદવાની મર્યાદા ખૂબ ઓછી કહી શકાય છે.

નિયમ બાદ સોનાનો ૯૦ ટકા જેટલો ભાવ વધી ગયો

રોકડમાં ખરીદીની બે લાખની જે મર્યાદા છે. તેને પાંચ લાખ સુધી કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. બે લાખ સુધીની રોકડમાં સોનું ખરીદવાની મર્યાદા હાલમાં સોનાનો જે રીતે ભાવ વધી રહ્યો છે. તે જોતા ખુબ ઓછી છે. જેથી આ લિમિટ પાંય સુધી કરવા માટે માંગ ઊઠી રહી છે. જેનો ફાયદો સામાન્‍ય વર્ગના લોકોને પણ થઈ શકશે. સોનાના ભાવમાં ૬૦ ટકા જેટલો વધારો થઈ ચૂકયો છે. જેથી રોકડમાં બે લાખ સુધીની ખરીદીની મર્યાદા વધારીને પાંચ લાખ કરવા માટે આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે. - (જ્‍વેલર્સ અગ્રણી)

(4:06 PM IST)