News of Friday, 15th November 2024
પોરબંદર કાંઠેથી ૭૦૦ કરોડનું ૫૦૦ કિલો ડ્રગ્સ ઝડપાયું
નેવી - NCB અને ગુજરાત ATSનું સંયુકત ઓપરેશન : ડ્રગ્સનાં મસમોટા જથ્થા સાથે ૭ ઇરાનીઓની ધરપકડ : ગુજરાત જાણે કે ડ્રગ્સ માફિયાઓ માટેનું ‘સ્વર્ગ' : કાંઠો રેઢો પડઃ વારંવાર પકડાય છે ડ્રગ્સનો જથ્થો : ૭ વર્ષમાં ૪૦,૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

નવી દિલ્હી, તા.૧૫: ગુજરાતના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસને સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. પોરબંદર પાસે દરિયામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન ૫૦૦ કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત અંદાજે ૭૦૦ કરોડ હોવાનું મનાય છે. ATS, NCB અને નેવીની સંયુક્ત કામગીરી સફળ થઈ છે. પોલીસે આ મસમોટા ડ્રગ્સના જથ્થા સાથે સાત ઈરાની લોકોને ઝડપી પાડ્યા છે.
માહિતી મુજબ, બાતમીનાં આધારે ગુજરાત ATS, NCB અને ભારતીય નેવી દ્વારા ગત રાતથી સમુદ્રમાં આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ મામલે ઝડપાયેલ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. નોંધનીય છે કે, પોરબંદર દરિયાઇ વિસ્તારમાંથી ડ્રગ્સની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓનો મનસૂબો ફરી એક વાર ધ્વસ્ત થયો છે.એજન્સીઓએ મળીને આ કામગીરી હાથ ધરી હતી ત્યારે ગઈકાલથી આ કાર્યવાહી ચાલુ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જેનો ઉપયોગ ભારત અને વિદેશી બજારોમાં દાણચોરી કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. NCB અને ATSની ટીમોએ ઓપરેશન દરમિયાન ઘણા મહત્વના પુરાવા પણ એકત્ર કર્યા છે. આ મોટી રિકવરીથી ડ્રગ્સની દાણચોરી સામે સરકારની કડક કાર્યવાહીને વધુ મજબૂતી મળી છે.તેની કિંમત ૭૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. ટીમે ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ બોટને પોરબંદર લાવવામાં આવી રહી છે. આ પછી પ્રેસ કોન્ફરન્સમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી અંદાજે ૫૦૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવી અને એટીએસની મદદ લીધી હતી.
નોંધનીય છે કે, ગુજરાતના દરિયા કિનારેથી સાત વર્ષમાં ૪૦ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે, પ્રતિદિન સરેરાશ ૧૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. ગુજરાતનાં દરિયા કિનારેથી અવારનવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે. થોડા સમય પહેલા તિથલ દરિયા કિનારા નજીકથી ચરસનું એક પેકેટ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. અંદાજે ૧ કરોડની કિંમતનું ૧.૧૦૦ કિલોનું ચરસનું પેકેટ મળી આવ્યું છે. તિથલ દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવતા પોલીસ વિભાગ તેમજ એજન્સીઓ સતર્ક બની જવા પામી હતી. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ જિલ્લાના ૭૦ km ના દરિયા કિનારે સઘન પોલીસ ચેકિંગ હાથ ધરાયું છે.
દેશનો દરિયા કિનારો ૭૫૧૭ કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે ૧૬૪૦ કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર ૧૪૪થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
