<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

સોના ચાંદીમાં એકધારો ઘટાડો :ભાવ દોઢ મહિનાના નીચલા સ્તરે સરક્યા

સોના ચાંદીમાં કડાકો બોલાતા ઐતિહાસિક ઊંચા મથાળેથી ભાવ દોઢ મહિનાની નીચી સપાટી પર ઉતરી ગયા

મુંબઈ :સોનુ ચાંદી ખરીદવા માટે સુવર્ણ તક આવી છે. ઐતિહાસિક ઉંચા સ્તરેથી સોના ચાંદીના ભાવ નોંધપાત્ર તૂટ્યા છે.એક જ દિવસમાં સોનામાં 1300 અને ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. આ સાથે જ સોના ચાંદીના ભાવ લગભગ દોઢ મહિનાની નીચી સપાટી પર છે. દિવાળી બાદ સોનું ચાંદી સતત ઘટી રહ્યા છે. વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઐતિહાસિક ઉંચા ભાવે માંગ ઘટવાના કારણે ભારતમાં સતત ભાવ ઘટી રહ્યા છે.

 

સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 1300 રૂપિયાનો કડાકો બોલાયો છે. આ સાથે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 76500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે, જે એક મહિના થી વધુ નીચી સપાટી છે. ગઇકાલે સોનાની કિંમત 77800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 99.5 શુદ્ધ સોનાની કિંમત 76300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે. તો હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 74970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

 

ચાંદીમાં એક જ દિવસમાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. અમદાવાદમાં 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 88000 રૂપિયા થઇ છે, જે ગઇકાલે 91500 રૂપિયા હતી. ચાંદીના દાગીનાની કિંમત 87800 રૂપિયા હતી.

 દિવાળી વખતે ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ હાલ રેકોર્ડ લેવલથી ચાંદી 12000 રૂપિયા સસ્તી થઇ છે.

વૈશ્વિક બજારમાં સોનું 0.7 ટકા ઘટીને 2555 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું છે, જે 18 સપ્ટેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે. યુએસ ગોલ્ડ ફ્યૂચર વાયદો 1 ટકા ઘટીને 2560 ડોલર ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદી 1.5 ટકાના ઘટાડે 29.84 ડોલર પ્રતિ ટ્રોય ટ્રોસ થઇ હતી

(7:39 PM IST)