<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ડોનાલ્‍ડ ટ્રમ્‍પની કેબિનેટમાં હિન્‍દુ નેતાની એન્‍ટ્રી : નવા વિદેશ અને રક્ષા મંત્રીની પણ જાહેરાત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તેમની નવી કેબિનેટમાં હિન્‍દુ નેતા તુલસી ગબાર્ડની નિમણૂક કરી

વોશીંગ્‍ટન, તા.૧૪: અમેરિકામાં ચૂંટણી જીત્‍યા બાદથી નવા ચૂંટાયેલા રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એક પછી એક ઘણી મોટી નિમણૂકો કરી રહ્યા છે. હવે ડોનાલ્‍ડ ટ્રમ્‍પની કેબિનેટમાં એક હિન્‍દુ નેતાનો પણ પ્રવેશ થયો છે. ટ્રમ્‍પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઈન્‍ટેલિજન્‍સ (DNI)ના નવા નિર્દેશક તરીકે નિયુક્‍ત કર્યા છે. તમને જણાવી દઈએ કે પૂર્વ કોંગ્રેસ સભ્‍ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્‍દુ કોંગ્રેસવુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસી એક અનુભવી સૈનિક છે અને વિવિધ પ્રસંગોએ મધ્‍ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્‍તારોમાં તૈનાત કરવામાં આવ્‍યા છે. તે થોડા સમય પહેલા ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગઈ હતી અને ચૂંટણી સમયે રિપબ્‍લિકન પાર્ટીમાં જોડાઈ ગઈ હતી. ડોનાલ્‍ડ ટ્રમ્‍પે તુલસી ઉપરાંત વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે બુધવારે અમેરિકાના નવા વિદેશ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે. ટ્રમ્‍પે ફ્‌લોરિડાના સેનેટર માર્કો રૂબિયોને અમેરિકાના વિદેશ મંત્રી તરીકે નિયુક્‍ત કર્યા છે. તમને જણાવી દઈએ કે રૂબિયોની ઓળખ રૂઢિચુસ્‍ત નેતા તરીકે થાય છે. તેઓ ઘણીવાર ચીન, કયુબા અને ઈરાન વિરુદ્ધ પોતાના મજબૂત વિચારો વ્‍યક્‍ત કરતા જોવા મળે છે. રૂબિયો ૨૦૧૦માં પહેલીવાર સેનેટમાં ચૂંટાયા હતા.આપને જણાવી દઈએ કે ૨૦૧૬માં રિપબ્‍લિકન રાષ્‍ટ્રપતિ પદની રેસ દરમિયાન રૂબિયોએ ટ્રમ્‍પની આકરી ટીકા કરી હતી. ટ્રમ્‍પ તેમને નાનો માર્કો પણ કહેતા હતા. જોકે, હવે રૂબિયો ટ્રમ્‍પના સૌથી મોટા સમર્થકોમાંના એક છે.

આ સિવાય ડોનાલ્‍ડ ટ્રમ્‍પે અમેરિકાના નવા સંરક્ષણ સચિવના નામની પણ જાહેરાત કરી છે. ટ્રમ્‍પે ફોક્‍સ ન્‍યૂઝના હોસ્‍ટ, લેખક અને રિટાયર્ડ આર્મી મેન પીટ હેગસેથને સંરક્ષણ સચિવના પદ માટે પસંદ કર્યા છે. ૪૪ વર્ષીય પીટ હેગસેથ અફઘાનિસ્‍તાન અને ઈરાકમાં સૈન્‍યમાં ફરજ બજાવી ચૂકયા છે. પીટની નિમણૂક કરતી વખતે, ટ્રમ્‍પે તેને એક એવી વ્‍યક્‍તિ તરીકે ગણાવ્‍યો છે જે સખત, સ્‍માર્ટ અને અમેરિકા ફર્સ્‍ટમાં સાચો વિશ્વાસ ધરાવે છે. આ સાથે ટ્રમ્‍પે ફ્‌લોરિડાના કેમેટ ગેટ્‍ઝને દેશના નવા એટર્ની જનરલ તરીકે પસંદ કર્યા છે.

(9:44 AM IST)