<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

‘તારી મંગેતર સાથે મારૂ સેટિંગ કરાવી દે', માલિકે આટલું કહેતા જ નોકરે કરી હત્‍યા

મૃતક મહેશ તેના નોકર રઘુવીરની મંગેતર પર ખરાબ નજર રાખતો હતો અને અશ્‍લીલ વાતો કરતો હતોઃ જેથી ગુસ્‍સામાં આવીને રઘુવીરે તેના ભાઈ નરેન્‍દ્ર સાથે મળીને હત્‍યાને અંજામ આપ્‍યો

ભોપાલ, તા.૧૪: ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્‍યાનો ભેદ ઉકેલી નાખ્‍યો હતો. પોલીસે નોકર રઘુવીર અહિરવારની તેના માલિક મહેશ મહેરાની હત્‍યાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસ મુજબ, મળતક મહેશ તેના નોકર રઘુવીરની મંગેતર પર ખરાબ નજર રાખતો હતો અને અશ્‍લીલ વાતો કરતો હતો. જેથી ગુસ્‍સામાં આવીને રઘુવીરે તેના ભાઈ નરેન્‍દ્ર સાથે મળીને હત્‍યાને અંજામ આપ્‍યો હતો.

૧૨ નવેમ્‍બરે મહેશ ગુમ થયાની ફરિયાદ તેના ભાભીએ ઈટરખેડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્‍યું કે, અંતિમ વખત મહેશ તેના નોકર રઘુવીર સાથે જોવા મળ્‍યો હતો. જે બાદ પોલીસે રઘુવીરની પૂછપરછ કરી હતી. રઘુવીરે પહેલા તો ઘટના અંગે કંઈ જાણતો ન હોવાનું રટણ કર્યું હતું પરંતુ પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં ભાંગી પડ્‍યો હતો અને ગુનો કબૂલી લીધો હતો.

રઘુવીરે જણાવ્‍યું કે, માલિક મહેશ અને તેણે દારૂ પીધો હતો. આ દરમિયાન મહેશે તેની મંગેતર વિશે અપમાનજક ટિપ્‍પણી કરી હતી. તેણે કહ્યું કે, તારી મંગેતર સાથે મારું સેટિંગ કરાવી દે. માલિક મહેશના આ વ્‍યવહારથી તે ક્રોધે ભરાયો હતો અને તેના ભાઈ સાથે મળીને પથ્‍થરના ઘા મારતાં તેનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું.

આ પછી તેણે શબને એરોસિટી રોડ પર એક નાળામાં નાંખી દીધું હતું. પોલીસે આરોપીએ કરેલી કબૂલાતના આધારે મળતદેહ શોધી કાઢયો હતો અને રઘુવીર સામે હત્‍યાનો મામલો નોંધીને તપાસ હાથ ધરી હતી.

(9:46 AM IST)