<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

અદાણીનો કરોડોનો ધારાવી રિડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટ રદ કરી નાખીશ

ચૂંટણી ઢંઢેરામાં ઉદ્વવ ઠાકરેએ કર્યો મોટો વાયદો

મુંબઇ, તા.૭: મહારાષ્‍ટ્રના પૂર્વ મુખ્‍યમંત્રી અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં તમામ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના ભાવને સ્‍થિર કરવાનું આશ્વાસન આપ્‍યું છે. આ સાથે જ ઠાકરેએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અદાણી ગ્રુપને આપવામાં આવેલા ધારાવી રિડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટને પણ રદ કરી નાખવાનો વાયદો કર્યો છે. ઠાકરેએ કહ્યું કે, મોટા ભાગના ચૂંટણી વાયદા વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)ના ચૂંટણી ઢંઢેરાનો હિસ્‍સો છે, પરંતુ કેટલાક મુદ્દા છે જેના પર વિશેષ ધ્‍યાન આપવાની જરૂરત છે.

તેમણે કહ્યું કે, શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્‍ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વાળું MVA ગઠબંધન ૨૦ નવેમ્‍બરના રોજ યોજાનારી રાજ્‍ય વિધાનસભાની ચૂંટણી માટે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ઠાકરેએ આશ્વાસન આપ્‍યું કે, જે રીતે રાજ્‍યમાં વિદ્યાર્થિનીઓને સરકારની નીતિ પ્રમાણે મફત શિક્ષણ મળી રહ્યું છે, જો MVA સત્તામાં આવશે તો તેને તમામ વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરી દેવામાં આવશે. MVA આવશ્‍યક ચીજવસ્‍તુઓના ભાવ પણ સ્‍થિર રાખશે.

ધારાવી રિડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેને રદ કરી દેવામાં આવશે, કારણ કે તેની મુંબઈ પર ખરાબ અસર પડશે. ઝડપથી થઈ રહેલા શહેરીકરણને ધ્‍યાનમાં રાખીને મહારાષ્‍ટ્ર અને મુંબઈમાં પણ હાઉસિંગ પોલિસી બનાવવામાં આવશે. જો MVA સત્તામાં આવશે તો તે કોલીવાડા અને ગૌથાણોના ક્‍લસ્‍ટર વિકાસને રોકી દેશે અને એ રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી કરવામાં આવશે. શિવસેના પ્રમુખે એમ પણ કહ્યું કે અમારી પાર્ટી રોજગાર નિર્માણ માટે કામ કરશે.

(4:28 PM IST)