<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

યુએસના હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવમાં હવે છ ભારતીયો

યુએસના હાઉસ ઓફ રિપ્રેઝન્‍ટેટિવ-કોંગ્રેસમાં છ ભારતીયોએ તેમની બેઠક નિશ્‍ચિત કરી છે જે પહેલાં પાંચ હતી

વોશીંગ્‍ટન, તા.૭: યુએસના હાઉસ ઑફ રિપ્રેઝન્‍ટેટિવ-કોંગ્રેસમાં છ ભારતીયોએ તેમની બેઠક નિશ્‍ચિત કરી છે જે પહેલાં પાંચ હતી. આમ એકનો વધારો થયો છે જેમાં ઍટર્ની અને વર્જિનિયાના સેનેટર સુહાસ સુબ્રહ્મણ્‍યમનો સમાવેશ થાય છે. આ જીત મેળવી તેમણે ઇતિહાસ રચ્‍યો છે. તે એવા પહેલા ઇન્‍ડિયન-અમેરિકન છે જે વર્જિનિયા અને ઈસ્‍ટકોસ્‍ટનું પ્રતિનિધિત્‍વ કરશે. સુહાસ સુબ્રહ્મણ્‍યમે વર્જિનિયાના ૧૦ ડિસ્‍ટ્રિક્‍ટમાં તેમના રિપબ્‍લિકન પ્રતિસ્‍પર્ધી માઇક ક્‍લૅન્‍સિને હરાવ્‍યા છે.

બાકીના પાંચ ઇન્‍ડિયન-અમેરિકનમાં અમી બેરા, રાજા ક્રિષ્‍ણામૂર્તિ, આર. ઓ. ખન્ના, પ્રમીલા જયપાલ અને શ્રી થાનેદારનો સમાવેશ થાય છે. તેમણે તેમની બેઠક જાળવી રાખી છે. અમી બેરા જે કૅલિફૉર્નિયાના છઠ્ઠા ડિસ્‍ટ્રિક્‍ટનું પ્રતિનિધિત્‍વ કરે છે એ સંસદના સૌથી જૈફ ઇન્‍ડિયન-અમેરિકન છે. તે સતત સાતમી વખત ચૂંટાઈ આવ્‍યાં છે. શ્રી થાનેદારે તેમની મિશિગન ૧૩ ડિસ્‍ટ્રિક્‍ટની બેઠક જાળવી રાખી છે, જ્‍યારે રાજા ક્રિષ્‍ણામૂર્તિ ઇલિનૉઇ ૮ ડિસ્‍ટ્રિક્‍ટની બેઠક પરથી પાંચમી વાર ચૂંટાઈ આવ્‍યા છે. આર. ઓ. ખન્નાએ તેમની કૅલિફૉર્નિયા ૧૭ ડિસ્‍ટ્રિક્‍ટની અને પ્રમિલા જયપાલે વૉશિંગટન ૭ની બેઠક જાળવી રાખી હતી.

(3:50 PM IST)