News of Wednesday, 6th November 2024
ગોવામાં 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઈફ્ફી, IFFI) શરૂ થશે : ભારતીય ડેબ્યુ ડાયરેક્ટરને મળશે એવોર્ડ : આ પાંચ ફિલ્મો નોમિનેટ થઈ : પાંચ ફિલ્મોમાંથી જ્યુરીની પસંદગીની ફિલ્મના દિગ્દર્શકને મળશે પાંચ લાખનો એવોર્ડ
આ વર્ષે પહેલી વખત ઈફ્ફીની 55મી આવૃત્તિમાં દેશની નવી અને યુવા પ્રતિભાવને પ્રોત્સાહિત કરવાના આશયથી નવી એવોર્ડ કેટેગરી શરૂ કરાઇ : ભારતીય ફિચર ફિલ્મના શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટરની કેટેગરીમાં પાંચ ફિલ્મોની પસંદગી કરાઇ

નવી દિલ્હી તા.૬ : ગણતરીના દિવસોમાં ગોવામાં 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઈફ્ફી, IFFI) શરૂ થશે. 15મી નવેમ્બર સુધીમાં તમામ તૈયારીઓ પુરી કરાશે અને 20મી તારીખથી ફેસ્ટિવલ શરૂ થશે. એશિયાના સૌથી મોટા અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મોના સ્ક્રીનિંગ્ઝ, ચર્ચાઓ, નવી કાર્યશાળાઓથી માંડીને એવોર્ડ્ઝ થતા હોય છે. આ વર્ષે પહેલી વખત ઈફ્ફીની 55મી આવૃત્તિમાં દેશની નવી અને યુવા પ્રતિભાવને પ્રોત્સાહિત કરવાના આશયથી નવી એવોર્ડ કેટેગરી શરૂ કરાઇ છે. ભારતીય ફિચર ફિલ્મના શ્રેષ્ઠ ડેબ્યુ ડિરેક્ટરની કેટેગરીમાં પાંચ ફિલ્મોની પસંદગી કરાઇ છે જેમાંથી એક ફિલ્મને એવોર્ડ અને પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત કરાશે. પાંચેય ફિલ્મોનું ત્યાં સ્ક્રીનિંગ પણ કરાશે. 20-28 નવેમ્બર દરમિયાન ગોઆમાં યોજાનારા આ ફેસ્ટિવલમાં કયા પાંચ દિગ્દર્શકોની ફિલ્મો આ કેટેગરીમાં સત્તાવાર પસંદગી પામી છે તે જાણીએ.
બૂંગ નામની મણીપુરી ફિલ્મ મહિલા દિગ્દર્શક લક્ષ્મીપ્રિયા દેવીએ બનાવી છે. મણીપુરી ભાષામાં બૂંગ શબ્દનો અર્થ થાય છે નાનકડો છોકરો અને એક નાનકડા છોકરાની તેના માને એક ખાસ ભેટ આપવાની મહેચ્છાની આસપાસ ફિલ્મની વાર્તા વણાયેલી છે
લાગણીઓ સાથે રમુજ અને સામાજિક રાજકીય સંજોગોને સારી પેઠે આ ફિલ્મ દર્શાવે છે. સ્ત્રીઓ સાથે સમાજનો વહેવાર હોય કે ફેન્સી સ્કૂલમાં ભણતા બાળકો વચ્ચે થતી દોસ્તી હોય કે પછી મણીપુરમાં ત્રણ પેઢીથી વસનારા ભારતીયોની સામાજિક સ્થિતિની વાત હોય આ તમામ મુદ્દા બહુ સરળતાથી આ ફિલ્મમાં વણી લેવાય છે અને તે ખૂબ અસરકારક પણ છે.
નાનકડો દીકરો કઈ રીતે પોતાના ગામથી દૂર, બર્માની બોર્ડર પાસેના શહેરમાં કામ કરનારા પિતાને ઘરે લાવવાની સફર માંડે છે તેની આસપાસ ફિલ્મ ચાલે છે, જો કે શું તે પોતાની ધારી ભેટ લાવી શકે છે તે જોવા માટે બૂંગ ફિલ્મ જોવી પડશે.
થન્નુપ મલિયાલમ ભાષાની ફિલ્મ છે જેને રાગેશ નારાયણને ડાયરેક્ટ કરી છે. થન્નુપ શબ્દનો અર્થ થાય છે ઠંડી. પ્રધીશ અને ટ્રીસાએ પ્રેમ લગ્ન કર્યા છે. આર્થિક રીતે સાવ જુદા પરિવારોમાંથી આવનારા યુગલને વાલીઓએ સ્વીકાર્યું નથી
એક નાનકડા ગામમાં જઇને તેમણે રહેવાનું શરૂ કર્યું છે. ગામની નદીની ઉંડાઇ માપવી, અડધી રાત્રે નદીમાં ડુબકી મારીને ત્યાં જ કાંઠા પર શરીર સંબંધ બાંધનાર યુગલ વિશે જ્યારે ગામના કેટલાક તોફાની તત્વોને ખબર પડે છે પછી ફિલ્મમાં એક અણધાર્યો વળાંક આવે છે.
યુગલની અંગત પળોનો વીડિયો ગામમાં વાઇરલ થઇ જાય છે અને પછી જ્યારે લોકોને સાચું કારણ સમજાય છે ત્યારે તો ઘટનાઓ એક નવા સ્તરે બહોંચી ગઇ હોય છે. નદી કિનારે અડધી રાતે સંભોગ કરનારા યુગલનું સત્ય લોકોને હચમચાવી નાખનારું સાબિત થાય છે. શું હતું એ સત્ય એ જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.
રઝાકાર (સાઇલન્ટ જેનોસાઇડ ઑફ હૈદરાબાદ) તેલુગુ ભાષાની ફિલ્મ છે તેને યાતા સત્યનારાયણાએ ડાયરેક્ટ કરી છે. ભારતને સ્વતંત્રતા મળી તે પછી જ્યારે રજવાડાઓને ભેળવવાના હતા તે સમયે હૈદરાબાદ એક જુદા પ્રકારની સ્થિતિમાં જકડાયેલું હતું તેવી વાત આ ફિલ્મમાં કરાઇ છે.
ભારતનો હિસ્સો બન્યું તે પહેલા હૈદરાબાદ કઇ રીતે રઝાકારોના એક અલગ સૈન્યના જુમલોનો ભોગ બન્યું અને તેની સામે કઇ રીતે લોકોએ લડત આપી તેની વાત આ ફિલ્મમાં છે.
સરદાર વલ્લભભાઇ પટેલની કુનેહની વાત પણ આ ફિલ્મમાં દર્શવાઇ છે કે કઇ રીતે તેમણે અંતે હૈદરાબાદને ભારતમાં ભેળવવામાં સફળતા મેળવી. આ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ વખાણવા લાયક છે.
મિક્કા બન્નાડા હક્કી, એક કન્નડ ફિલ્મ છે અને તેના નામનો અર્થ થાય છે જુદાં પિછાંનું પંખી. મિક્કા બન્નાડા હક્કી એ જ નામે લખાયેલા પુસ્તકને આધારે આ ફિલ્મ બની છે. બાવીસ વર્ષના મનોહરા કે. જે સેલ્ફ ટૉટ ડાયરેક્ટર છે તેમની આ ફિલ્મ તને હસાવશે પણ અને રડાવશે પણ.
બાર વર્ષની છોકરી જેને અબ્લિનિઝમ, પાંડુરોગ છે જે એક અત્યંત ગરીબ ઘરની દીકરી છે તેની સાથે નવી નિશાળમાં કેવો વહેવાર થાય છે તેની આસપાસ આ વાર્તા શરૂ થાય છે. શરાબી પિતા અને કામઢી માંની આ દીકરી પોતાના દેખાવને લઇને સતત લોકોની વાતોનો વિષય બને છે. નિશાળમાં શિક્ષકોનો વહેવાર પણ અલગ છે અને વર્ગમાં સાથે ભણનારાઓ માટે તે મજાકનો વિષય છે.
પરંતુ કઇ રીતે તે પોતાની આસાપાસના માહોલમાંથી પોતાની ઓળખ બનાવવાનો રસ્તો કાઢે છે તે જોવા જેવું છે. અલ્બિનિઝમ ધરાવતી બાળ કલાકારનો અભિનય ભલભલાને વિચારતા કરી દે તેવો છે. લોકો માટે મજાકનો વિષય બનતી નાનકડી છોકરી કઈ રીતે એ મજાકનો ઉપયોગ પોતાના ફાયદામાં, પોતાના વિકાસ માટે કરે છે તે આ ફિલ્મમાં જોવા જેવું છે.
નવજ્યોત બંદીવાડેકરની મરાઠી ફિલ્મ ઘરત ગણપતિમાં ભારતીય કુટુંબો અને પરંપરાઓનો મેળ જોવા મળે છે. પરંપરાના મેળ બેસાડવામાં કુટુંબીજનોનો મનમેળ ન રહે ત્યારે શું થાય. ત્રણ પેઢી અને તે પણ કોંકણમાં ગણપતિ મહોત્સવલ ટાણે ભેગી થઇ હોય, કોઇ શહેરનું કોઇ ગામનું હોય અને ત્યાં એક બહારની છોકરી ઘરમાં ભળવાની માથાકૂટ કરે ત્યારે પરિસ્થિતિ વણસે કે સુધરે?
ક્રિતી દિલ્હીની છોકરી છે જે પહેલીવાર તેના બૉયફ્રેન્ડના પરિવારને મળે છે જ્યારે તે ગણેશોત્સવમાં ભાગ લેવા કોંકણ આવી જાય છે. પણ શું પારંપરિક વડીલો ક્રિતીને સ્વીકારી લે છે કે પહેલાં તેઓ પોતના અહમમાંથી જ બહાર નથી આવી શકતા અને એક લડાઇમાંથી બીજી લડાઇ ઉભી થાય છે.
સ્લાઇસ ઑફ લાઇ પ્રકારની આ ફિલ્મ ખરેખર મનોરંજક છે પણ શું વાત માત્ર એક લવ સ્ટોરી પુરતી છે કે પછી આપણા ઘરોમાં પ્રસંગ ટાણે થતા ઝગડાઓ પણ આ ફિલ્મમાં બતાવાયા છે? આ ફિલ્મ ખરેખર તમને એ બધા પ્રસંગો યાદ કરાવશે જ્યાં મતભેદ થાય પણ મનભેદ ન રહે ત્યારે ચહેરા પર કેવો સરસ ભાવ આવે છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
