News of Wednesday, 6th November 2024
JEE એડવાન્સ પરીક્ષાના નિયમમાં ફેરફાર : હવે વિદ્યાર્થીઓ ત્રણ વખત આપી શકશે એક્ઝામ
નવો નિયમ આ વર્ષથી લાગૂ થશે : આ નિયમ લગાતાર બે વર્ષમાં બે અટેમ્પ્ટ્સનો જ હતો

નવી દિલ્હી, તા.૬: આ વર્ષથી JEEએડવાન્સની પરીક્ષા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં તેના અટેમ્પ્ટ્સની સંખ્યા વધારીને ત્રણ કરી દેવામાં આવી છે. નવો નિયમ આ વર્ષથી લાગૂ થશે. વિદ્યાર્થીઓ અગાઉ માત્ર બે વાર જ પરીક્ષા આપી શકતા હતા. પરંતુ હવે નવા નિયમ મુજબ ઉમેદવારો સતત ત્રણ વર્ષમાં મહત્તમ ત્રણ વખત JEE એડવાન્સ પરીક્ષામાં આપી શકશે. આ પરીક્ષા માટેની વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
પહેલા JEEએડવાન્સ માટેના પ્રયાસોની સંખ્યા સતત બે વર્ષમાં બે વખતની જ હતી. JEE એડવાન્સ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓનો જન્મ ૧ ઓક્ટોબર ૨૦૦૦ના રોજ અથવા તે બાદ થયો હોવો જોઈએ. જેમાં SC, ST અને PWD ઉમેદવારોને ૫ વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
JEE એડવાન્સ ૨૦૨૫ માટેની લાયકાત શું ?
દર વર્ષે JEE મેન્સમાં સફળ થયેલા ૨.૫૦ લાખ ટોપ રેન્કિંગના ઉમેદવારો JEE એડવાન્સ પરીક્ષા આપે છે. નવા નિયમો મુજબ ઉમેદવારોએ JoSAA કાઉન્સેલિંગ મારફતે IITમાં પ્રવેશ મેળવ્યો છે એવા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકશે નહીં. જ્યારે નવા નિયમ મુજબ નીટમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે
જો કોઈ ધોરણ ૧૨મા શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨નું પરિણામ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૨ પહેલા જાહેર કરવામાં આવ્યું હોય પણ કોઈ ઉમેદવારનું પરિણામ કોઈ કારણસર અટકાવી દેવામાં આવ્યું હોય તો તે JEE એડવાન્સ્ડ ૨૦૨૫માં નહીં બેસી શકે. JEE એડવાન્સ પરીક્ષા મે મહિનાના છેલ્લા સપ્તાહમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે JEE એડવાન્સ્ડમાં બેસવા માટે JEE Mains પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. JEEમેન્સ અને એડવાન્સ પરીક્ષા દર વર્ષે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા લેવામાં આવે છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
