News of Wednesday, 6th November 2024
જમ્મુ કાશ્મીરમાં બુલડોઝરવાળી થશે : આતંકીઓના ઘરને તોડી પાડવામાં આવશે
ઉપરાજયપાલ મનોજ સિન્હાએ ચેતવણી આપી : સુરક્ષાદળોને અપાયા કડક આદેશ

શ્રીનગર તા. ૬ : જમ્મુ અને કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ ચેતવણી આપી હતી કે આતંકવાદીઓને આશ્રય આપતા લોકોના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. તેમણે લોકોને આતંકવાદના ગુનેગારો સામે એકતામાં ઊભા રહેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, 'જો સુરક્ષા દળો, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને લોકો એક થાય તો એક વર્ષમાં આ વિસ્તારમાંથી આતંકવાદને ખતમ કરી શકાય છે.'
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઉપરાજયપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, 'મેં સુરક્ષા દળોને નિર્દેશ આપ્યો છે કે કોઈ નિર્દોષને નુકસાન ન પહોંચાડે, પરંતુ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જો કોઈ આતંકવાદીઓને આશ્રય આપશે તો તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.'
ઉપરાજયપાલ મનોજ સિન્હાએ કહ્યું કે કેટલાક લોકો એવા નિવેદનો આપે છે કે, 'જેઓ આતંકવાદીઓને આશ્રય આપે છે તેઓને ત્રાસ આપવામાં આવે છે. જો કે, આ અત્યાચાર નથી, પરંતુ ન્યાયની માંગ છે અને આવો ન્યાય ચાલુ રહેશે'
જમ્મુ અને કાશ્મીરના લોકોને આતંકવાદ સામે ઊભા રહેવાનું આહ્વાન કરતાં ઉપરાજયપાલ મનોજ સિન્હાએ ઉપસ્થિત લોકોને પૂછ્યું કે, 'શું આ પ્રદેશમાં કનેકિટવિટી સુધારવા માટે કામ કરતા લોકોને મારી નાખવાનો કોઈને અધિકાર છે.' તેમણે ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં સુરંગ નિર્માણ સ્થળ પર ૨૦ ઓકટોબરે આતંકવાદીઓ દ્વારા સ્થાનિક ડોકટર અને છ પરપ્રાંતીય મજૂરોની હત્યાનો ઉલ્લેખ કરી રહ્યો હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
