<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

સુપ્રીમ કોર્ટે યુપી મદરસા બોર્ડ એક્ટને બંધારણીય જાહેર કર્યો : હાઈકોર્ટનો નિર્ણય ફગાવી દીધો

આ નિર્ણયથી યુપીની 16000થી વધુ મદરેસાઓમાં ભણતા 17 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે

નવી દિલ્હી : યુપીનો મદરેસા એક્ટ બંધારણીય છે કે ગેરબંધારણીય તે અંગે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરસા વોર્ડ એક્ટ 2004ને બંધારણીય જાહેર કર્યો છે અને યુપી મદરસા બોર્ડની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કેટલીક જોગવાઈઓ સિવાય 'ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004'ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે 5 એપ્રિલે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

આ અંગે સુપ્રીમ કોર્ટમાં વિગતવાર સુનાવણી થઈ હતી. જે બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે 22 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી યુપીની 16000થી વધુ મદરેસામાં ભણતા 17 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે યુપી મદરેસા એક્ટની તમામ જોગવાઈઓ મૂળભૂત અધિકારો અથવા બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી. કોર્ટે તેને બંધારણીય જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ કાયદો રાજ્ય સરકારે વર્ષ 2004માં પસાર કર્યો હતો જ્યારે મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા.

 

(12:03 PM IST)