<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

થાઇલેન્ડ જનારા માટે ખુશખબર: ભારતીયો માટે અનિશ્ચિત કાળ સુધી વિઝા ફ્રી એન્ટ્રી લંબાવાઈ

ભારતીય પાસપોર્ટ મજબૂત બન્યો

 

 નવી દિલ્‍હીઃ થાઇલૅન્ડની સરકારે ભારતીય પ્રવાસીઓને ધ્યાને રાખીને વિઝાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. થાઇલૅન્ડે 11 નવેમ્બરે ‘ફ્રી વિઝા એન્ટ્રી પોલિસી’ સમાપ્ત થાય તે પહેલા નિયમોમાં ફેરફાર કરીને ‘વિઝા ફ્રી એન્ટ્રી’ અનિશ્ચિત કાળ સુધી લંબાવી દીધી છે. સરકારે માત્ર ભારતીય પ્રવાસીઓ માટે આ નિર્ણય લીધો છે.

વિઝા વગર થાઇલૅન્ડમાં બે મહિના રહી શકાશે

થાઇલૅન્ડના પ્રવાસન સત્તામંડળે(TAT) સત્તાવાર માહિતી આપી છે કે, ભારતીય નાગરિકો થાઇલૅન્ડમાં વિઝા વગર 60 દિવસ સુધી રોકાઈ શકશે. જો કોઈ ભારતીય નાગરિક વધુ સમય રોકાવા ઇચ્છે તો તેણે ઇમિગ્રેશન ઑફિસ જઈને વધુ 30 દિવસની મંજૂરી માંગી શકે છે.

થાઇલૅન્ડે ભારત પર મૂક્યો વિશ્વાસ

જો તમે વિદેશ જવા માંગો છો તો પાસપોર્ટ એક મહત્ત્વપૂર્ણ અને જરૂરી ડોક્યુમેન્ટ છે. કોઈ પણ દેશમાંથી અન્ય કોઈ બીજા દેશમાં જવા માંગતાં હોવ તો તમારે પાસપોર્ટની જરુર પડે છે. પાસપોર્ટ એક વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ છે, જે રાષ્ટ્રીય ઓળખના પુરાવા તરીકે ગણવામાં આવે છે. જોકે થાઇલૅન્ડની સરકારે ભારત પર વિશ્વાસ મૂકીને ભારતીય નાગરિકો માટે ‘વિઝા ફ્રી એન્ટ્રી’ની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, જુલાઈ-2024માં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય પાસપોર્ટ પહેલા કરતાં વધુ મજબૂત થયો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ભારતના પાસપોર્ટને વિશ્વભરમાં 82મું સ્થાન મળ્યું હતું. 2022માં ભારત 87મા સ્થાને હતું. જ્યારે 2023માં ભારતીય પાસપોર્ટને 84મું સ્થાન મળ્યું હતું. હવે એટલે કે, 2024માં ભારતીય પાસપોર્ટને 82મું સ્થાન મળ્યું છે, એટલે કે હવે ભારતીય પાસપોર્ટ પર 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી કરી શકાશે.

(11:21 AM IST)