<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ભાજપ, સેબી અધ્‍યક્ષ અને અદાણી જુથ વચ્‍ચે સાંઠગાંઠઃ કોંગ્રેસની આક્ષેપોની આતશબાજી

નવી દિલ્‍હી, તા., ૩૦: દેશમાં એકબાજુ જનતા દિવાળીના તહેવારની ઊજવણી કરતાં ફટાકડા ફોડી રહી છે, બીજીબાજુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપોની આતશબાજી કરી છે. અદાણી જૂથ અને સેબી પ્રમુખ માધબી બૂચ વચ્‍ચે સાંઠગાંઠના આરોપોને ફગાવીને સરકારે માધબી બૂચને ક્‍લિન ચીટ આપી હતી. પરંતુ કોંગ્રેસે આ મુદ્દા પર માધબી બૂચ અને મોદી સરકારને ઘેરવાનું ચાલુ રાખ્‍યું છે. આ સાથે રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપ, સેબી પ્રમુખ માધબી બૂચ અને અદાણી જૂથ વચ્‍ચે સાંઠગાંઠ હોવાના નવેસરથી આક્ષેપો કરવાની સાથે સરકારી તંત્રમાં અદાણી બચાઓ સિન્‍ડિકેટઁ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે.

સેબી પ્રમુખ માધબી બુચ પર હિતોના ઘર્ષણના આરોપો મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના હુમલા સતત ચાલુ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેરાની વાતચીતનો એક વીડિયો કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર પોસ્‍ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ મોદી સરકાર અદાણી બચાઓ સિન્‍ડિકેટ ચલાવતી હોવાનો આક્ષેપ કરે છે. આ સિન્‍ડિકેટ હેઠળ અદાણી જૂથ, અગ્રણી નિયામક સંસ્‍થાઓ અને ભાજપ વચ્‍ચે ખતરનાક સાંઠગાંઠ હોવાનો તેમણે દાવો કર્યો છે.

 આ વિડીયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, એરપોર્ટ્‍સ, પોર્ટ્‍સ, સીમેન્‍ટ, પાવર અને ડિફેન્‍સમાં અદાણી જૂથને મોનોપોલી આપવામાં મોદી સરકારની સક્રિય ભૂમિકા છે. એટલું જ નહીં અદાણી જે પણ સેક્‍ટર ઈચ્‍છે તેમાં તેની મોનોપોલી માટે સિન્‍ડીકેટ કામે લાગી જાય છે. વધુમાં સંસ્‍થાગત પતને હવે પરિવારવાદના વધુ ખતરનાકરૂપ  અદાણી બચાઓને જન્‍મ આપ્‍યો છે. મોદી સરકાર હવે માત્ર એકાધિકારને જ પ્રોત્‍સાહન નથી આપતી પરંતુ સીધે સીધા દેશની સંપત્તિ કેટલાક લોકોના હાથમાં સોંપી રહી છે તેવો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે.

(4:34 PM IST)