News of Friday, 25th October 2024
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના? જેઓ બનશે નવા CJI, DUમાંથી પાસ આઉટ; વકીલાતથી કારકિર્દીની શરૂઆત કરી
ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે સંજીવ ખન્નાના નામની જાહેરાત:કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પડાયું :રાષ્ટ્રપતિએ સંજીવ ખન્નાની નિમણૂકને મંજૂરી આપી

નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમના સ્થાને, સંજીવ ખન્ના 11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. સંજીવ ખન્ના સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. તેઓ 13 મે 2025ના રોજ નિવૃત્તિ પણ લેવાના છે. આ કારણે તેમનો કાર્યકાળ માત્ર 6 મહિનાનો રહેશે.
આ પહેલા 12 ઓક્ટોબરે કેન્દ્ર સરકાર દ્વારા CJI DY ચંદ્રચુડને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં તેમના અનુગામીનું નામ આપવાની અપીલ કરવામાં આવી હતી. ચંદ્રચુડે જ નવા ન્યાયાધીશનું નામ સૂચવ્યું હતું. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના નામને મંજૂરી આપી હતી
સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તે દિલ્હી યુનિવર્સિટી (DU)ના કેમ્પસ લો સેન્ટરમાંથી પાસઆઉટ છે. 1983માં પ્રથમ વખત તેમણે દિલ્હી બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધણી કરાવી. કારકિર્દી અહીંથી શરૂ થઈ. સંજીવ ખન્ના દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. આ પછી તેમને દિલ્હી હાઈકોર્ટમાં બઢતી આપવામાં આવી હતી,સંજીવ ખન્નાએ 14 વર્ષ સુધી દિલ્હી હાઈકોર્ટમાં જજ તરીકે સેવા આપી છે. તેઓ 2005માં વધારાના જજ બન્યા હતા. જે બાદ તેમને 2006માં કાયમી જજ બનાવવામાં આવ્યા હતા
આ પછી, તેને 18 જાન્યુઆરી 2019 ના રોજ પ્રમોશન મળ્યું. તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેઓ સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે આ પદ પર 17 જૂન 2023 થી 25 ડિસેમ્બર 2023 સુધી સેવા આપી હતી. હાલમાં તેમની પાસે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી છે.
આ સિવાય ખન્ના નેશનલ જ્યુડિશિયલ એકેડમી, ભોપાલની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પણ છે. સંજીવ ખન્નાએ વ્યાપારી કાયદો, કંપની કાયદો, વૈધાનિક કાયદો, આર્બિટ્રેશન, ફોજદારી કાયદો સહિત ઘણા ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી છે. આટલું જ નહીં, તેણે ઘણા કેસમાં દિલ્હી હાઈકોર્ટને મદદ કરવા માટે એમિકસ ક્યુરીની ભૂમિકા પણ ભજવી છે. ખન્ના બિલકિસ બાનો કેસમાં ચુકાદો આપનારી બેન્ચનો ભાગ હતા. તેમણે જ અરવિંદ કેજરીવાલને જામીન અને વચગાળાના જામીન આપ્યા હતા.
તેમણે કલમ 370 હટાવવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓની પણ સુનાવણી કરી છે. આ સિવાય VPATનું 100% વેરિફિકેશન, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ જેવી અરજીઓ પણ તેમની સામે આવી હતી. ઓગસ્ટ 2024માં તેમની સામે સમલૈંગિક લગ્નનો કેસ આવ્યો હતો. જેના પર 52 રિવ્યુ પિટિશન અંગે સુનાવણી થવાની હતી. પરંતુ ખન્નાએ આ બાબતથી પોતાને દૂર રાખ્યા હતા.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
