News of Tuesday, 22nd October 2024
આ વર્ષે IPOથી કંપનીઓએ રૂ.એક લાખ કરોડ એકત્ર કર્યા
ઇતિહાસમાં માત્ર બીજીવાર અત્યાર સુધી ૭૦ IPO લોન્ચ થયા જે ૨૦૦૭ પછી કોઈ એક વર્ષમાં આવેલા સૌથી વધુ IPO છે

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં આ વર્ષે કંપનીઓએ મેઇન બોર્ડ પર ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) થકી રૂ. એક લાખ કરોડથી વધુ ફન્ડિંગ એકત્ર કર્યું છે. શેરબજારના ઇતિહાસમાં આવું માત્ર બીજી વાર થયું છે. આ વર્ષે અત્યાર સુધી ૭૦ IPO લોન્ચ થયા છે, જે ૨૦૦૭ પછી કોઈ એક વર્ષમાં આવેલા સૌથી વધુ IPOછે.
આ IPOથી એકત્ર કરવામાં આવેલી રકમ રૂ. ૧.૦૩ લાખ કરોડથી વધુની છે. વર્ષ ૨૦૦૭માં કુલ ૧૦૦ IPO લોન્ચ થયા હતા અને ત્યારે કુલ ૩૪,૧૭૯ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૧માં ૬૩ કંપનીઓએ IPO દ્વારા રૂ. ૧.૧૯ લાખ કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી. એ કોઈ પણ એક વર્ષમાં IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી સૌથી વધુ રકમ છે. જોકે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ રેકોર્ડ આ વર્ષે તૂટી શકે છે, કેમ કે આ વર્ષને પૂરું થવામાં હજી બે મહિનાનથી વધુ સમય બાકી છે અને એ દરમ્યાન સ્વિગી, NSDL, NTPC ગ્રીન એનર્જી જેવા મોટા IPO લોન્ચ થવાની વકી છે.
નવેમ્બર કે નજીકના ભવિષ્યમાં આવનારા ઇશ્યુઓમાં સ્વિગી (રૂ. ૧૧,૦૦૦ કરોડ), ACME સોલર હોલ્ડિંગ્સ લિ. (રૂ. ૩૦૦૦ કરોડ) NSDL (રૂ. ૪૫૦૦ કરોડ), અસીરવાડ માઇક્રો ફાઇનાન્સ (રૂ. ૧૫૦૦ કરોડ) NTPC ગ્રીન એનર્જી (રૂ. ૧૦,૦૦૦ કરોડ), વન મોબીક્વિક સિસ્ટમ લિ. (રૂ. ૭૦૦ કરોડ)નો સમાવેશ થાય છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં IPOદ્વારા રૂ. ૬૫,૦૦૦ કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે. એમાં સૌથી મોટો IPO હ્યુન્ડાઇ મોટર લિ.નો હતો, જેણે રૂ. ૨૭,૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા હતા
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
