News of Tuesday, 22nd October 2024
‘સાહેબ! મને મારી ‘બેવડી' પત્નીથી બચાવો' ઘરવાળીથી કંટાળી પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ
ઉત્તરપ્રદેશમાં એક શખ્સે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની દારૂ પીવે છે અને તેને પણ દારૂ પીવા માટે દબાણ કરે છે

ઝાંસી,તા. ૨૨: ઉત્તરપ્રદેશના ઝાંસીથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક પોતાની પત્નીથી કંટાળીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જયાં આ યુવકની વાત સાંભળીને ફરજ પર હાજર પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા હતા. જાણો આખરે સમગ્ર મામલો શું છે?
સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશનના ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાંથી સામે આવ્યો છે. જયાં એક શખ્સે ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની દારૂ પીવે છે અને તેને પણ દારૂ પીવા માટે દબાણ કરે છે. પત્નીનો ત્રાસ વધતા તે તેને પિયર મૂકી આવ્યો છે. પતિએ ફરિયાદ નોંધાવતા સામે પત્નીએ પણ ફરિયાદ નોંધાવી છે. જે બાદ બંનેને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
જયારે બંનેની સમસ્યાઓ સાંભળવા માટે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા, ત્યારે બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ ગઈ. પતિએ આરોપ લગાવ્યો કે, મારી પત્ની દરરોજ દારૂ પીવે છે અને મને પણ દારૂ પીવા માટે દબાણ કરે છે, પરંતુ હું દરરોજ દારૂ પી શકતો નથી અને આટલો ખર્ચ પણ કરી શકતો નથી.
પતિએ જણાવ્યું કે, મારી પત્ની એક વખતમાં ત્રણથી ચાર પેગ દારૂ પીવે છે અને મને દારૂ પીવો જરાય ગમતો નથી. આ વાતને લઈને અમારી વચ્ચે ઝઘડો થાય છે. પત્નીએ પતિના તમામ આરોપો સ્વીકારી લીધા. જે બાદ ફેમિલી કાઉન્સેલિંગ ખાતે બંનેને સમજાવવામાં આવ્યા અને શાંતિથી રહેવાની સલાહ આપીને ઘરે મોકલી દીધા.
આપને જણાવી દઈએ કે, આવો મામલો પહેલીવાર સામે નથી આવ્યો, આ પહેલા પણ આગ્રાથી આવો જ મામલો સામે આવ્યો હતો. આગ્રામાં પતિની દારૂ પીવાની લતથી કંટાળીને પત્નીએ પણ દારૂના નશામાં હોવાની એક્ટિંગ કરી હતી. જે બાદ બંને વચ્ચે વિવાદ થયો હતો અને આ વિવાદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જે બાદ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે બંનેને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
