News of Monday, 21st October 2024
વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગેના કેસમાં કેજરીવાલને સુપ્રિમનો ઝટકો
માનહાનિ કેસમાં કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી : ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કર્યો હતો કેસ

નવી દિલ્હી, તા.૨૧: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PM મોદીની ડિગ્રી વિશે કરવામાં આવેલી ટિપ્પણીના મામલામાં સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનરની અરજી ફગાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટે કેજરીવાલ સામે સમન્સ જારી કર્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ તેને રદ કરાવવા માટે પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ન્યાયમૂર્તિ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહ્યું હતું કે આવી જ અરજી આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી અને તેને આ કોર્ટે ફગાવી દીધી હતી. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતી વખતે કોર્ટે કહ્યું હતું કે, અમે દખલ કરવા ઈચ્છતા નથી, એક અરજદાર અમારી પાસે આવ્યો હતો અને તેને ફગાવી દેવામાં આવ્યો હતો. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે સંજય સિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદન અલગ હતું, પરંતુ બેન્ચે તેને સ્વીકાર્યું ન હતું.
આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં સમન્સ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટથી નિરાશ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રીએ દેશની સૌથી મોટી કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે અહીંથી પણ રાહત નહીં મળતા તેમણે ગુજરાત કોર્ટમાં હાજર થવું પડશે
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
