<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે સીધા સંબંધોનો ઘટસ્ફોટ કરતા ખળભળાટ :જુઓ વિડિઓ

પન્નૂએ કહ્યું કે શીખ ફોર જસ્ટિસ છેલ્લાં 2-3 વર્ષથી પીએમ ઓફિસ સાથે સંપર્કમાં છે. આ કબૂલાત કરતાં પન્નૂએ ભારત વિરુદ્ધ ઝેર પણ ઓક્યુ હતું

નવી દિલ્હી :ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂએ કેનેડાના પીએમ જસ્ટીન ટ્રડોની રેવડી દાણા દાણા કરી નાખી છે. છેલ્લા કેટલાય સમયથી ભારત વિરોધી નિવેદનો કરી રહેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોની પોલ ખોલી નાખી છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથેના પોતાના સીધા સંબંધોની કબૂલાત કરી છે

   નેશનલ ટીવી પર બોલતાં પન્નૂએ કહ્યું કે તે છેલ્લાં 3 વર્ષથી ટ્રૂડોના સીધા સંપર્કમાં હતો અને તેણે જ ભારત વિરોધી માહિતી પૂરી પાડી હતી જેને આધારે ટ્રૂડોએ કાર્યવાહી કરી હતી. કેનેડિયન માઉથપીસ સાથેના ઈન્ટરવ્યૂમાં પન્નૂએ કહ્યું કે શીખ ફોર જસ્ટિસ છેલ્લાં 2-3 વર્ષથી પીએમ ઓફિસ સાથે સંપર્કમાં છે. આ કબૂલાત કરતાં પન્નૂએ ભારત વિરુદ્ધ ઝેર પણ ઓક્યુ હતું.    

શીખ ફોર જસ્ટિસ એક પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકી સંગઠન છે જેનો વડો ગુરપતવંત સિંહ પન્નૂ છે. ભારત તેને આતંકી જાહેર કરી રાખેલો છે અને હવે પીએમ ટ્રૂડોના આતંકી સાથેના સંબંધો સામે આવ્યાં છે.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાએ ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ પર "હિતના વ્યક્તિઓ" હોવાનો આરોપ મૂક્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ હદે ખરાબ થયાં હતા. ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા અને તેને “અવ્યવહારુ આરોપો” અને જસ્ટિન ટ્રુડો સરકારના રાજકીય એજન્ડાનો ભાગ ગણાવ્યા હતા.

  સંબંધો વણસતાં બન્ને દેશોએ પોતપોતાની રીતે એક્શન પણ લીધાં હતા. ભારતે કેનેડા ખાતેના તેના હાઈ કમિશનરને પાછા બોલાવ્યા જેના પગલે ટ્રુડો સરકારે 6 ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું. ભારતે 6 કેનેડિયન કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.

.

(8:07 PM IST)