News of Wednesday, 16th October 2024
અર્શ દલ્લાથી લઈને ગોલ્ડી બ્રાર સુધી 7 ગેંગસ્ટર છે કેનેડામાં : ભારતે કેનેડાને 7 ગેંગસ્ટરોની યાદી સોંપી
કેનેડામાં છુપાયેલા આ શખ્શો આતંકવાદથી લઈને હિંસા સુધીની અનેક ઘટનાઓમાં સામેલ : ગોલ્ડી બ્રાર, સંદીપ સંધુ અને અર્શદીપ ગિલ જેવા કુખ્યાત નામો સામેલ

નવી દિલ્હી : હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો બગડ્યા છે. દરમિયાન ભારતે કેનેડાને 7 ગેંગસ્ટરોની યાદી મોકલી છે. તેઓ કેનેડામાં છુપાયેલા છે. ભારતે કહ્યું કે આ ગુંડાઓ આતંકવાદથી લઈને હિંસા સુધીની અનેક ઘટનાઓમાં સામેલ હતા. કેનેડામાં તેમના ગુનાઓ અને તેમના ઠેકાણા અંગે પુરાવા આપ્યા પછી પણ કેનેડાની સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.
1- ગોલ્ડી બ્રાર
ગોલ્ડી બ્રાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીક છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. આ ગેંગે સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. ગોલ્ડી બ્રાર હત્યા, ખંડણી અને ટાર્ગેટ કિલિંગ જેવા ગુનાઓમાં સંડોવાયેલ છે. તે 2022માં પંજાબી ગાયક શુભદીપ સિંહ હોસેવાલા અને કોંગ્રેસ નેતા ગુરલાલ પરલોનની હત્યામાં પણ સામેલ છે. તેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.
2-સંદીપ સિંહ સંધુ
ગેંગસ્ટર સંદીપ સિંહ સંધુ ઉર્ફે અર્શ દલ્લા પ્રતિબંધિત ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સભ્ય છે. તે પંજાબમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ છે. સંદીપ પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન આતંકવાદી લખબીર સિંહ રોડે અને અન્ય ISI ઓપરેટિવ્સના સંપર્કમાં છે. તેણે 1980ના દાયકામાં પંજાબમાં આતંકવાદ સામે લડનારા કોમરેડ બલવિંદર સિંહ સંધુની હત્યા કરી હતી. સંદીપ સિંહને કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીમાં મોટી પોસ્ટ મળી છે.
3- અર્શદીપ સિંહ ગિલ
અર્શદીપ સિંહ ગિલ ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સભ્ય છે. તે શીખ ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરનો મુખ્ય સહયોગી હતો. ગિલ ટાર્ગેટ કિલિંગ, ખંડણી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. નવેમ્બર 2020 માં, તેના સહયોગીઓએ ડેરા સચ્ચા સૌદાના અનુયાયીની ગોળી મારીને હત્યા કરી હતી.
4-ચરનજીત સિંહ
ચરણજીત સિંહ 9 વર્ષ પહેલા નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી સહિતના 25 ગુના નોંધાયેલા છે. તે અર્શદીપ સિંહનો સહયોગી છે.
5-રમનદીપ સિંહ
રમણદીપ સિંહ જયપાલ ભુલ્લર ગેંગનો સભ્ય છે. હત્યા અને ખંડણી જેવી ગુનાહિત પ્રવૃતિઓ કરવા ઉપરાંત રમણદીપ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ગુનાની દુનિયામાં ફસાવવાનું પણ કામ કરે છે.
6- લખબીર સિંહ
લખબીર સિંહ 30થી વધુ અપરાધિક કેસોમાં આરોપી છે. તેણે 2 આરપીજી હુમલા કર્યા હતા. તેમાંથી એક મોહાલી સ્થિત પંજાબ પોલીસ હેડક્વાર્ટરમાં થયો હતો. તેના પર ઓગસ્ટ 2022માં પંજાબ પોલીસના એસઆઈ દિલબાગ સિંહની કાર નીચે આઈઈડી પ્લાન્ટ કરવાનો પણ આરોપ છે.
7-ગુરપિન્દર સિંહ
ગુરપિન્દર સિંહ હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી સાથે સંબંધિત આઠ કેસમાં આરોપી છે. તેનો સંબંધ હરદીપ સિંહ નિજ્જર સાથે હતો.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
