News of Wednesday, 16th October 2024
બાબા સિદ્દીકીની હત્યા કેસમાં કાવતરું ઘડનારાઓને નાણાં પૂરાં પાડનારા હરીશ નિષદને ઉત્તર પ્રદેશમાં પકડી લેવાયો
નિષદે આ કાવતરામાં સામેલ લોકોને નાણાં પૂરાં પાડ્યાં હોવાથી પોલીસ તેના બૅન્ક ખાતાની પણ તપાસ કરશે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં પોલીસે કાવતરું ઘડનારાઓને નાણાં પૂરાં પાડનારા શખસને ઉત્તર પ્રદેશમાં પકડી પાડ્યો હતો. પુણેમાં ભંગારની દુકાન ચલાવતો આરોપી એ જ પરિસરમાં રહેતા ફરાર આરોપી શિવકુમાર ગૌતમના સંપર્કમાં હોવાથી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સેલ (એઈસી)ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ હરીશકુમાર બાલકરામ નિષદ (26) તરીકે થઈ હતી. કોર્ટે 21 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સિદ્દીકી હત્યા પ્રકરણમાં આરોપી નિષદે નાણાં અને લૉજિસ્ટિક સપોર્ટ પૂરાં પાડ્યાં હોવાનું તપાસમાં જણાયું હતું. એ સિવાય તે કાવતરાનો એક ભાગ હોવાનું પણ સામે આવ્યું હતું.
બાન્દ્રા પૂર્વના નિર્મલ નગર પરિસરમાં શનિવારની રાતે કારમાં ઘરે જવા નીકળેલા બાબા સિદ્દીકી પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગવાથી સિદ્દીકીનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ કેસમાં બે શૂટર ગુરમેલ સિંહ (23) અને ધર્મરાજ કશ્યપ (19)ને હુમલાની ગણતરીની મિનિટોમાં જ નિર્મલ નગર પોલીસે પકડી પાડ્યા હતા. બાદમાં કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે પ્રવીણ લોણકર (30)ની પુણેથી ધરપકડ કરી હતી.
લોણકરની પૂછપરછમાં પુણેમાં જ ભંગારની દુકાન ચલાવતા નિષદનું નામ સામે આવ્યું હતું. જોકે લોણકર પકડાતાં નિષદ ફરાર થઈ ગયો હતો. નિષદ ઉત્તર પ્રદેશના તેના વતને હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. યુપીના કૈસરગંજથી સોમવારે તાબામાં લેવાયેલા નિષદને મુંબઈ લાવવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલો આરોપી ધર્મરાજ કશ્યપ અને ફરાર આરોપી શિવકુમાર ગૌતમ નિસાદના જ ગામના વતની છે. એ સિવાય નિષદની ભંગારની દુકાન જે પરિસરમાં આવેલી છે ત્યાં જ ગૌતમ પણ રહેતો હતો. ગૌતમની માહિતી મેળવવા માટે પોલીસ નિષદની પૂછપરછ કરી રહી છે.
નિષદે આ કાવતરામાં સામેલ લોકોને નાણાં પૂરાં પાડ્યાં હોવાથી પોલીસ તેના બૅન્ક ખાતાની પણ તપાસ કરવા માગે છે. નિષદે અન્ય કોઈ માધ્યમથી નાણાં પહોંચાડ્યાં હોય તો તેની પણ તપાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
