News of Saturday, 12th October 2024
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા : દેશભરમાં વરસાદી માહોલ જામશે
લક્ષદ્વીપ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર

અમદાવાદ : ઉત્તર ભારતના રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જો કે, ભારતના કેટલાક ભાગોમાં ચોમાસું હજુ પણ સક્રિય છે. હવામાન વિભાગે લક્ષદ્વીપ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં હવામાન શુષ્ક છે. દિવસના તાપમાનમાં વધારાને કારણે દેશની રાજધાનીમાં ભેજવાળી ગરમી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેશે અને વાદળોની અવરજવર યથાવત રહેશે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 21 થી 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આગામી 12 ઓક્ટોબર સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રને વરસાદે વિદાય આપી છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહેશે. જો હવામાન વિભાગની ચેતવણી મુજબ વરસાદ થશે તો ઘણા ગરબા આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દક્ષિણમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. આ સાથે જ 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડશે. આ વર્ષે સિઝનનો કુલ સરેરાશ વરસાદ સમગ્ર ગુજરાતમાં 138 ટકા નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ વરસાદ કચ્છમાં 185 ટકા, દક્ષિણ ગુજરાતમાં 141 ટકા, સૌરાષ્ટ્રમાં 148 ટકા, 133 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં 133 ટકા અને ઉત્તર ગુજરાતમાં 115 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, કેરળ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તે જ સમયે, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દક્ષિણ મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પશ્ચિમ હિમાલય, બિહાર, દક્ષિણ ગુજરાત અને ઓડિશામાં હળવા વરસાદની શક્યતા છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
