તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
કરોડપતિઓની હોડમાં વેચાયું ૬.૭ કરોડ વર્ષ જૂનું ડાયનાસોર: ₹૪૩૦ કરોડમાં 'ગસ' બન્યું દુનિયાનું સૌથી મોંઘું અશ્મિ!
યુએનએસડી (હાર્ડિંગ કાઉન્ટી)માંથી મળી આવેલું ૬૧% સંપૂર્ણ ટી-રેક્સનું હાડપિંજર સોથેબીની હરાજીમાં રેકોર્ડબ્રેક કિંમતે વેચાયું: વૈજ્ઞાનિકોએ ખાનગી માલિકી સામે વ્યક્ત કરી ચિંતા

ન્યૂ યોર્ક : ડાયનાસોર કરોડો વર્ષ પહેલા પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા હશે, પરંતુ આજે પણ તેમની એક ઝલક મેળવવા માટે વિશ્વભરના અમીરો અને સંશોધકો અબજો રૂપિયા પાણીની જેમ વહાવવા તૈયાર છે. ન્યૂ યોર્કના પ્રખ્યાત હરાજી ગૃહ 'સોથેબી' ખાતે યોજાયેલી હરાજીમાં ૬ કરોડ ૭૦ લાખ વર્ષ જૂનું ટાયરનોસોરસ રેક્સ (ટી-રેક્સ)નું હાડપિંજર 'ગસ' (Gus) અધધ ૫૦.૧ મિલિયન ડોલર (આશરે ₹૪૩૦ કરોડ) માં વેચાયું છે. આ સાથે જ તેણે અત્યાર સુધીના તમામ અશ્મિભૂતોના વેચાણના રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉ સ્ટેગોસોરસનું 'એપેક્સ' નામનું અશ્મિ ૪૪.૬ મિલિયન ડોલરમાં વેચાયું હતું, જેને પછાડીને 'ગસ' હવે વિશ્વનું સૌથી મોંઘું ફાસિલ બની ગયું છે.
અમેરિકાના સાઉથ ડાકોટા સ્થિત પ્રખ્યાત 'હેલ ક્રીક ફોર્મેશન'માંથી મળી આવેલું આ હાડપિંજર અત્યાર સુધી મળી આવેલા ટી-રેક્સના અવશેષોમાં સૌથી સંપૂર્ણ અને દુર્લભ ગણાય છે. લગભગ ૩૮ ફૂટ લાંબા અને ૧૨.૫ ફૂટ ઊંચા આ મહાકાય શિકારીના ૧૮૩ હાડકાં મળી આવ્યા છે, જે તેના કુદરતી માળખાના ૬૧ ટકા ભાગને કવર કરે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તેની ખોપરીનો ૮૨ ટકા હિસ્સો અને બંને પગ સંપૂર્ણપણે સુરક્ષિત સ્થિતિમાં મળ્યા છે. તેના સચવાયેલા હાડકાં પર જુના ફ્રેક્ચર અને અન્ય પ્રાણીઓના ડંખના નિશાન પણ જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે આ ટી-રેક્સ પોતાના જીવનકાળ દરમિયાન અનેક ભયાનક લડાઈઓ જીતીને બચ્યો હતો.
આટલી મોટી કિંમતે અશ્મિ વેચાયા બાદ વૈજ્ઞાનિકો અને પેલિયોન્ટોલોજિસ્ટ્સમાં એક નવી ચિંતા ઉભી થઈ છે. હરાજીમાં કરોડપતિ ખરીદદારે પોતાની ઓળખ ગુપ્ત રાખી છે, જેના કારણે નિષ્ણાતો ભયભીત છે કે જો આ દુર્લભ ખજાનો કોઈના વ્યક્તિગત સંગ્રહાલય કે ડ્રોઈંગ રૂમની શોભા બની જશે, તો તેના પર વૈજ્ઞાનિક સંશોધન અટકી જશે. વૈજ્ઞાનિક સમુદાયની માંગણી છે કે આવા ઐતિહાસિક અવશેષોને જાહેર સંગ્રહાલયોમાં મૂકવામાં આવે જેથી સામાન્ય લોકો પણ તેને જોઈ શકે અને સંશોધકો પૃથ્વી પરના પ્રાચીન જીવનના રહસ્યો પરથી પડદો ઉચકી શકે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
