<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

મધ્યપ્રદેશના નીમચમાં હોસ્પિટલના શિશુ વોર્ડમાં એન્ટિબાયોટિક ઇન્જેક્શનને કારણે બાળકોની તબિયત બગડીઃ બે ડઝન બાળકો ગંભીર હાલતમાં

ઈન્જેક્શન લગાવ્યાના થોડા સમય બાદ બાળકોને ઉલ્ટી થવા લાગી, તાવ આવ્યો અને તેમના શરીર પર ફોલ્લા દેખાઈ ગયાઃ હોસ્‍પિટલમાં હોબાળો મચી ગયો

નવી દિલ્‍હીઃ  મધ્યપ્રદેશના નીમચમાં જિલ્લા હોસ્પિટલના શિશુ વોર્ડમાં શુક્રવારે રાત્રે હંગામો મચી ગયો હતો જ્યારે એન્ટિબાયોટિક ઇન્જેક્શન પછી બે ડઝનથી વધુ બાળકોની તબિયત અચાનક બગડી હતી. આ બાળકોની ઉંમર 2 થી 4 વર્ષની હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈન્જેક્શન લગાવ્યાના થોડા સમય બાદ બાળકોને ઉલ્ટી થવા લાગી, તાવ આવ્યો અને તેમના શરીર પર ફોલ્લા દેખાઈ ગયા.
 બાળકોની તબિયત અચાનક લથડતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પરિવારજનો ભયભીત થઈ ગયા હતા અને બાળકો સાથે ખાનગી હોસ્પિટલ તરફ દોડવા લાગ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે 5 બાળકોને જિલ્લા હોસ્પિટલના ICUમાં દાખલ કરવા પડ્યા.
ઘટનાની માહિતી મળતા જ એડીએમ લક્ષ્મી ગામડ, એસડીએમ મતતા ખેડે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એડીએમ લક્ષ્મી ગામડે જણાવ્યું હતું કે બાળકોને આપવામાં આવેલા એન્ટિબાયોટિક ઇન્જેક્શનને કારણે તેમની તબિયત કેમ બગડી તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં તમામ બાળકોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સામાજિક કાર્યકર તરુણ બહેતીએ હોસ્પિટલની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે વહીવટીતંત્રે આ મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

(1:01 AM IST)