<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

દુનિયાની સૌથી શક્તિશાળી ફૂડ બ્રાન્ડ અમુલે વાર્ષિક ટર્ન ઓવરના રેકોર્ડ તોડી નાખ્યા

નાણાકીય વર્ષ 2023-24નું ટર્નઓવર 8%ની વૃદ્ધિ સાથે રૂ. 59,545 કરોડ (USD 7 બિલિયન) નોંધાયું, ગ્રૂપ ટર્નઓવર 80,000 કરોડ (USD 10 બિલિયન) પહોંચ્યું , જે વર્ષ 2022-23માં 72,000 કરોડ (USD 9 બિલિયન) હતું

અમદાવાદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF) કે જે દૂધ અને ડેરી ઉત્પાદનોની લોકપ્રિય બ્રાન્ડ અમૂલનું માર્કેટિંગ કરે છે, તેની 50મી વાર્ષિક સામાન્ય સભા 28 સપ્ટેમ્બરના રોજ યોજાઇ હતી. GCMMFના સુવર્ણ જયંતિ વર્ષે નાણાકીય વર્ષ 2023-24નું ટર્નઓવર 8%ની વૃદ્ધિ સાથે રૂ. 59,545 કરોડ (USD 7 બિલિયન) નોંધાયું છે. અમૂલ બ્રાન્ડનું વર્ષ 2023-2024નું ગ્રૂપ ટર્નઓવર 80,000 કરોડ (USD 10 બિલિયન) પહોંચ્યું છે, જે વર્ષ 2022-23માં 72,000 કરોડ (USD 9 બિલિયન) હતું.
વિશ્વની અગ્રણી બ્રાન્ડ કન્સલ્ટન્સી, બ્રાન્ડ ફાઇનાન્સ, યુકે દ્વારા અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને ડેરી બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ સીમાચિન્હ અમૂલ બ્રાન્ડની લોકપ્રિયતા, અવનવા ઉત્પાદનો અને મજબૂત વિતરણ વ્યવસ્થાને આભારી છે.
GCMMF 18,600 ગામના 36 લાખ ડેરી ખેડૂતોની માલિકીની વિશ્વની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા છે, અને તેમના 18 સભ્ય સંઘ રોજનું 3 કરોડ લિટર કરતાં પણ વધુ દૂધ સંપાદન કરે છે. ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક (IFCN) મુજબ GCMMF દૂધ પ્રોસેસિંગમાં વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓમાં 8મું સ્થાન ધરાવે છે.
નવી પ્રોડક્ટ પર બની રહ્યા છે ખાસ પ્લાન

GCMMFના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે, "GCMMFએ તેના સુવર્ણ જયંતિ વર્ષમાં વિશ્વમાં સૌથી શક્તિશાળી ફૂડ બ્રાન્ડ તરીકે ઉભરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે". અમે નવા ઉત્પાદનો લોન્ચ કરવા, નવા બજારોને સર કરવા, અને સમગ્ર ભારતમાં દૂધ પ્રોસેસિંગ કેપેસિટી ઉમેરવા સંબંધિત સતત વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યો વતી GCMMFના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે દૂધ ઉત્પાદકોને લગતી વિવિધ યોજનાઓ માટે સતત અને સમયસર સમર્થન આપવા બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. "અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માનનીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આભાર માનીએ છીએ જેમણે સહકારી ક્ષેત્રમાં વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરી અમને વૈશ્વિક ફૂડ બાસ્કેટનો ભાગ બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવા પ્રેરણા આપી છે."

(9:44 PM IST)