<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

'લગ્નને બહાને રેપ કર્યો તેવો દાવો પરિણીત મહિલા ન કરી શકે : હાઇકોર્ટનો ચુકાદો

જ્યારે પરિણીત મહિલાને ખબર છે કે તે ફરીથી લગ્ન નહીં કરી શકે તો પછી આ છેતરપિંડી કેવી રીતે થઈ? જો કોઈ કેસમાં આરોપી પરિણીત હોય તો પણ તેનો દાવો સાબિત થતો નથી

મુંબઇ : બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં કહ્યું કે પરિણીત મહિલા એવો દાવો ન કરી શકે કે કોઈ શખસે લગ્નનું વચન આપીને તેની સાથે રેપ કર્યો છે.
કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ પીતાલેએ કહ્યું કે જ્યારે કોઈ મહિલા પરિણીત હોય ત્યારે તે દાવો ન કરી શકે કે લગ્નનું વચન આપીને કોઈ અન્ય વ્યક્તિએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. હાઈકોર્ટનું એવું કહેવું છે કે મહિલા પરણેલી હોય છે તેથી તેને ખબર જ હોય કે તે હવે તે વ્યક્તિ સાથે લગ્ન નહીં કરી શકે.
આવા કિસ્સામાં તેનો દાવો ન ચાલી શકે.

બળાત્કારના કેસમાં ધરપકડ કરાયેલા પુણેના યુવકને જામીન આપતાં બોમ્બે હાઈકોર્ટના જજે આ વાત કહી. કોર્ટે કહ્યું કે જ્યારે પરિણીત મહિલાને ખબર છે કે તે ફરીથી લગ્ન નહીં કરી શકે તો પછી આ છેતરપિંડી કેવી રીતે થઈ? જો કોઈ કેસમાં આરોપી પરિણીત હોય તો પણ તેનો દાવો સાબિત થતો નથી.
પુણેના વિશાલ શિંદે નામના વ્યક્તિ વિરુદ્ધ એક પરિણીત મહિલાએ રેપનો કેસ દાખલ કર્યો હતો. જે મહિલાએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે તે પોતે પરિણીત છે. પોલીસને આપેલી ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ, ત્યારબાદ વિશાલે લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો. તેણે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ મામલામાં કોર્ટે કહ્યું કે હજુ સુધી આરોપી પાસેથી એવો કોઈ પુરાવો મળ્યો નથી કે જે સાબિત કરે કે તેણે વીડિયો બનાવ્યો છે.

(8:31 PM IST)