<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીઃ ડાબેરી નેતા અનુરા કુનારા દિસાનાયકેની જીત નિશ્ચિતઃ શ્રીલંકાના 10મા રાષ્ટ્રપતિ બનશે

ચિન સમર્થક નેતાની સતા આવવાથી ભારત ચિંતિત

નવી દિલ્‍હીઃ શ્રીલંકામાં આર્થિક સંકટ અને મોટા રાજકીય ઉથલપાથલ બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ છે. શ્રીલંકાની ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (NPP)ના નેતા અનુરા કુમારા દિસાનાયકેની જીત નિશ્ચિત છે. આવી સ્થિતિમાં તેઓ રાષ્ટ્રપતિ બનશે તે નિશ્ચિત છે. મત ગણતરીના ડેટા પ્રાપ્ત થયા ત્યાં સુધીમાં, ડિસનાયકે 54 ટકા મતો સાથે મજબૂત બહુમતી તરફ આગળ વધી રહ્યા હતા. દિસનાયકે શ્રીલંકાના 10મા રાષ્ટપતિ હશે. ગોટાબાયા રાજપક્ષેની હકાલપટ્ટી બાદ રાષ્ટ્રપતિ પદ સંભાળનાર રાનિલ વિક્રમસિંઘે ચૂંટણીમાં ત્રીજા સ્થાને છે. આ ચૂંટણી તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા.

દિસનાયકે કોલંબોના સાંસદ છે. તેઓ નેશનલ પીપલ્સ પાર્ટી અને JVP પાર્ટીનું નેતૃત્વ કરે છે. તેમણે ઘણી વખત ભારતનો વિરોધ કર્યો છે. આ સિવાય ચીન તરફ ખાસ ઝુકાવ છે. 2022 માં શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી પછી, તેમણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને ગરીબોના મસીહા અને ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકેની તેમની છબી મજબૂત થઈ. તેઓ 2019માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.

માર્ક્સવાદ અને લેનિનવાદ તરફ ડિસાનાયકેના ઝુકાવને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારત વિરોધી પગલાં લઈ શકે છે. તેમણે ભારત-શ્રીલંકા શાંતિ સમજૂતી દ્વારા શ્રીલંકાના ગૃહ યુદ્ધમાં ભારતીય હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં, તેમણે શ્રીલંકામાં 484 મેગાવોટ માટે અદાણી જૂથનો 444 કરોડનો સોદો રદ કરવાની પણ વાત કરી હતી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પ્રોજેક્ટ રદ કરી દેશે.

ડિસનાયકેની પાર્ટીના સંસદમાં માત્ર ત્રણ નેતાઓ છે. તેમનો પક્ષ અર્થતંત્રમાં ચીનની દખલગીરીનું સમર્થન કરે છે. ઉપરાંત તેઓ બંધ બજારની આર્થિક નીતિમાં વિશ્વાસ રાખે છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકાના આર્થિક સંકટ માટે ચીનને પણ જવાબદાર માનવામાં આવતું હતું. ચીનના દેવાની જાળમાં ફસાયા બાદ શ્રીલંકાની હાલત ખરાબ થઇ ગઇ છે. તે જ સમયે, ખરાબ સમયમાં ચીને તેની તરફ મદદનો હાથ પણ લંબાવ્યો ન હતો.

રાનિલ વિક્રમસિંથેના વિદેશ મંત્રી અલી સાબરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દિસનાયકેને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે લાંબા પ્રચાર પછી હવે ચૂંટણીના સ્પષ્ટ પરિણામો આવી ગયા છે. હું આદેશનું સન્માન કરું છું. તમને જણાવી દઈએ કે ગત ચૂંટણીમાં દિસનાયકેની પાર્ટીને માત્ર ત્રણ ટકા વોટ મળ્યા હતા. આ વખતે તેમણે ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો અને શ્રીલંકાની કિસ્મત બદલવાનું સપનું બતાવીને લોકપ્રિય બની ગયા.

(4:42 PM IST)