News of Sunday, 22nd September 2024
તિરુપતિ મંદિર લાડુ વિવાદઃ સુપ્રીમમાં SIT તપાસની માગ કરતી અરજી દાખલ

નવી દિલ્હીઃ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ પ્રસાદમમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી. અરજીમાં આ સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. હિન્દુ સેના પ્રમુખ સુરજીત સિંહ યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અગાઉ, આ જ મુદ્દા પર વકીલ સત્યમ સિંહ રાજપૂતે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને એક પત્ર અરજી મોકલી હતી. સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ ગુરુવારે દાવો કર્યો હતો કે ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા દ્વારા ભેળસેળની પુષ્ટિ કરવામાં આવી છે.
આ સમગ્ર વિવાદ 18 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુના એક રિપોર્ટના આરોપો અને ખુલાસાથી શરૂ થયો હતો. એન ચંદ્રબાબુ નાયડુએ અહેવાલને ટાંકીને આરોપ લગાવ્યો હતો કે તિરુપતિના પ્રસાદમાં વપરાતું કહેવાતું દેશી ઘી પ્રાણીની ચરબી યુક્ત છે. તેમના દાવા બાદ મોટો રાજકીય વિવાદ ઊભો થઈ ગયો હતો.
આ સિવાય તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પણ પહોંચી ગયો છે. આ અરજી પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCP દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સીએમ ચંદ્રબાબુ નાયડુ ખોટા આરોપો લગાવીને તેમની છબી ખરાબ કરી રહ્યા છે.
તિરુપતિ લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપો બાદ હૈદરાબાદમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી અને અન્યો વિરુદ્ધ શ્રદ્ધા પર હુમલા અને ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાં તેમના પર મંદિરને અપવિત્ર કરવાનું દૂષિત કૃત્ય અને સનાતની હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
