<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

હિંદુઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવી રહ્યો છે

કેનેડાની સંસદમાં સાંસદે બાંગ્‍લાદેશમાં લઘુમતીઓ પર હુમલાનો પ્રશ્‍ન ઉઠાવ્‍યો : બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ, બૌદ્ધો અને ખ્રિસ્‍તીઓ સહિત ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા અંગે ચિંતિત છે : જ્‍યારે પણ બાંગ્‍લાદેશમાં અસ્‍થિરતા આવે છે ત્‍યારે ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને હિન્‍દુઓને આ આગમાં સળગવું પડે છે

નવી દિલ્‍હી, તા.૧૭: ભારતીય મૂળના કેનેડિયન સાંસદે બાંગ્‍લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્‍યો છે. તેમણે કહ્યું છે કે તેઓ બાંગ્‍લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસાથી ખૂબ જ ચિંતિત છે.

કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ, બૌદ્ધો અને ખ્રિસ્‍તીઓ સહિત ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા અંગે ચિંતિત છે. જ્‍યારે પણ બાંગ્‍લાદેશમાં અસ્‍થિરતા આવે છે, ત્‍યારે ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને હિન્‍દુઓને તેનો ભોગ બનવું પડે છે. ૧૯૭૧માં નવા દેશ તરીકે બાંગ્‍લાદેશની રચના થઈ ત્‍યારથી આ દેશની વસ્‍તીમાં ધાર્મિક લઘુમતીઓની સંખ્‍યામાં ઝડપથી ઘટાડો થયો છે.

તેમણે કહ્યું કે બાંગ્‍લાદેશમાં રહેતા કેનેડિયન હિન્‍દુઓના પરિવારો તેમના પરિવારના સભ્‍યો અને તેમની સંપત્તિની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે આ લોકો આવતા અઠવાડિયે ૨૩મી સપ્‍ટેમ્‍બરે સંસદની સામે રેલી કાઢવાના છે, જેમાં બાંગ્‍લાદેશમાં હિંદુઓની વર્તમાન સ્‍થિતિ પર પ્રકાશ પાડવામાં આવશે. આ રેલીમાં બાંગ્‍લાદેશમાં રહેતા કેનેડિયન બૌદ્ધ અને ખ્રિસ્‍તીઓના પરિવારો પણ ભાગ લેશે

બળવા પછીથી બાંગ્‍લાદેશમાં મોટા પાયે હિંસા ચાલુ છે. આ દરમિયાન દેશના ૨૭ જિલ્લામાં હિંદુઓ પર હુમલા થયા. મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્‍લાદેશની જમાત-એ-ઈસ્‍લામીએ સ્‍વીકાર્યું હતું કે શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્‍લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્‍દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, બાંગ્‍લાદેશમાં અવામી પાર્ટીના નેતાઓની પણ હત્‍યા કરવામાં આવી રહી છે.

ચંદ્ર આર્ય ભારતીય મૂળના કેનેડિયન સાંસદ છે. તે મૂળ કર્ણાટકનો છે. બે વર્ષ પહેલા, તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જ્‍યારે તે કેનેડાની સંસદમાં તેની માતળભાષા કન્નડમાં બોલતો હતો. ચંદ્ર આર્ય, કેનેડાના હાઉસ ઓફ કોમન્‍સમાં નેપિયન, ઓન્‍ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરે છે, તે કર્ણાટકના તુમકૂટ જિલ્લાના છે.

(10:47 AM IST)